Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ગાંગુલી અને કોન્વે વચ્ચે રસપ્રદ સમાનતા

ગાંગુલી-કોન્વેની જન્મતારીખ એક જ દિવસે, બંને ડાબોડી બેટસમેનોએ ટેસ્ટ ડેબ્યુમાં સદી ફટકારેલી

નવી દિલ્હીઃ ઇંગ્લેંડમાં ઇંગ્લેંડની જ સામે ધમાકેદાર રમત દર્શાવીને ડેબ્યૂ ટેસ્ટમાં જ ડેવોન કોન્વે   વિશ્વભરમાં છવાઇ ચુક્યો છે. લોર્ડઝમાં તેણે સૌરવ ગાંગુલીથી માંડીને દાયકા અને સૈકા જૂના રેકોર્ડને તોડી નાંખ્યા હતા. ડેવોન કોન્વે અને ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી વચ્ચે રસપ્રદ સમાનતા જોવા મળે છે. સૌરવ ગાંગુલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાં લોર્ડઝમાં ઇંગ્લેંડ સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતું.

 ટેસ્ટ ક્રિકેટમાં લોર્ડઝમાં અત્યાર સુધીમાં ૬ ખેલાડી ડેબ્યૂ મેચમાં શતક ફટકારી ચુક્યા છે. જેમાં કોન્વે અને ગાંગુલી સામેલ છે. ડેબ્યૂ શતકવીર ગાંગુલી અને કોન્વે બંનેએ જૂન માસમાં જ લોર્ડઝમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ. ગાંગુલીએ ૧૯૯૬ માં ઇંગ્લેંડ સામે ડેબ્યૂ મેચમાં ૧૩૧ રન ફટકાર્યા હતા. કોન્વે એ પોતાની પ્રથમ ટેસ્ટ ઇનીંગમાં ૨૦૦ રન બનાવ્યા હતા. ગાંગુલી અને  કોન્વેની જન્મ તારીખ પણ એક જ છે. ગાંગુલીનો જન્મ કલકત્તામાં ૮ જૂલાઇ ૧૯૭૨ એ થયો હતો. જ્યારે કોન્વેનો જન્મ પણ ૮ જૂલાઇએ વર્ષ ૧૯૯૧માં થયો હતો. કોન્વે દક્ષિણ આફ્રિકાના જહોનિસબર્ગમાં જન્મ્યો હતો. આ સંયોગ ઉપરાંત બંને બેટ્સમેન ઓપનર હોવા ઉપરાંત બંને ડાબોડી બેટ્સમેન છે. ગાંગુલીએ ભારતીય ટીમ વતી વેસ્ટઇન્ડીઝ સામે વન ડે ક્રિકેટમાં ૧૧ જાન્યુઆરી ૧૯૯૨માં ડેબ્યૂ કર્યુ હતુ. ગાંગુલીને ઓસ્ટ્રલીયા પ્રવાસ દરમ્યાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનો મોકો મળ્યો હતો. કોન્વે એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ડેબ્યૂ વેસ્ટઇન્ડીઝ સામે ટી૨૦ મેચ રમીને કર્યુ હતુ. ગત વર્ષ ૨૭ નવેમ્બરે કોન્વેએ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો.

(2:56 pm IST)