Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

અફગાનિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ માટેની ટીમની જાહેરાત 8મીના થશે

નવી દિલ્હી: પસંદગી સમિતિ આગામી મહિને અફઘાનિસ્તાન સામે રમાનાર ટેસ્ટ મેચ અને ૨૭ જુનથી ડબલિંગમાં શરુ થઈ રહેલ ઈંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત ૮મેના રોજ કરશે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યુ હતું કે ૮ મેના રોજ ૩ ટીમોની પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૪થી ૧૮ જુન દરમિયાન અફઘાનિસ્તાનમાં રમાનાર ટેસ્ટ મેચ માટેની ટીમ, ઈંગ્લેન્ડના પ્રવાસ માટેની વન-ડે ટીમ અને આયર્લેન્ડ સામે રમાનાર બે મેચોની વન-ડે શ્રેણી માટે ઈન્ડિયા-એની ટીમની જાહેરાત કરવામાં આવશે. 
ટીમ વહેલી જાહેર કરવાનો નિર્ણય એટલા માટે લેવાયો છે જેથી અફઘાનિસ્તાન શ્રેણીમાં કયા ખેલાડીઓ રમવાના છે તે સ્પષ્ટ કરી શકાય. વિરાટ કોહલી અને ઈશાંત શર્મા કાઉન્ટી ક્રિકેટ રમવાના હોવાથી અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં રમવાના નથી. જ્યારે ચેતેશ્વર પુજારા અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ રમવા માટે ઈંગ્લેન્ડથી પરત આવશે અને મેચ રમીને તો ઈંગ્લેન્ડ પરત જશે. કારણકે આ સમય દરમિયાન તેની કાઉન્ટિ ટીમ યોર્કશરની કોઈ મેચ નથી. કેટલાક ખેલાડીઓ માટે ઈંગ્લેન્ડના વીઝા મેળવવાનો પણ પ્રશ્ન છે. જેથી પસંદગીકારોએ વહેલા ટીમની જાહેરાત કરવાનો નિર્ણય કર્યો છે. 
બીસીસીઆઈ પહેલાથી જ સ્પષ્ટ કરી ચુક્યુ છે કે જુનમાં ઈંગ્લેન્ડ સામે રમાનાર ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે ઓછામાં ઓછા ૬થી ૭ ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ખેલાડીઓનો ઈન્ડિયા-એની ટીમમાં સમાવેશ કરાશે, જેઓ ઈંગ્લેન્ડમાં આયર્લેન્ડ સામે બે વન-ડે મેચની શ્રેણી રમશે. જેમાં અજિક્યે રહાણે, મુરલી વિજય, રોહિત શર્મા અને હાર્દિક પંડયાનો સમાવેશ થાય છે.

(4:17 pm IST)