Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ગિલ, કાર્તિક, રસેલ, નારાયણ જેવા ખેલાડીઓ છે કોલકતા નાઈટ રાઈડર્સની તાકાત

મોર્ગનની ટીમે સતત સારૂ ફોર્મ પુરવાર કરવું પડશે

નવીદિલ્હીઃ ૨૦૧૨ અને ૨૦૧૪માં એમ બે વખતની આઇપીએલ ચેમ્પિયન કલકત્તા નાઇટ રાઇડર્સે ૯ એપ્રિલથી શરૂ થતી ૧૪મી સીઝનમાં જો જૂનો જાદુ ફરી બતાવવો હશે તો પર્ફોર્મન્સમાં સાતત્ય ખાસ જાળવવો પડશે.

ઓપનિંગ કોમ્બિનેશન હોય કે મિડલ-ઓર્ડર કે યોગ્ય ફિનિશરની તલાશ એમ ગયા વર્ષે કલકત્તાએ દરેક ડિપાર્ટમેન્ટમાં થાપ ખાધી હતી અને સીઝનની મધ્યમાં કેપ્ટન્સીમાં કરેલો બદલાવ પણ ખાસ કારગત નહોતો નીવડ્યો. કલકત્તાને ખાસ નડી રહ્યું છે એ છે તેમના બે મુખ્ય યોદ્ધાઓ ઍન્દ્રે રસેલ અને સુનીલ નારાયણનું નબળું ફૉર્મ. રસેલ ગઈ સીઝનમાં સંપૂર્ણ ફિટ ક્યારેય નહોતો જણાયો, જ્યારે બોલિંગ-એકશનમાં બદલાવ બાદ નારાયણ પહેલો જેવો અસરકારક નથી રહ્યો.

આ વર્ષે દિનેશ કાર્તિકને બદલે ઇઓન મોર્ગન સીઝનની શરૂઆતથી ટીમની કપ્તાની સંભાળશે અને ઇંગ્લેન્ડને ઘરઆંગણે વર્લ્ડ કપ જિતાડનાર આ કેપ્ટન વાઇટ બૉલ ફોર્મેટના પોતાના અનુભવનો આ વર્ષે ટુર્નામેન્ટની શરૂઆતથી જ લાભ લેશે.

કલકત્તાએ જો આ વખતે સતત ત્રીજા વર્ષે પ્લે-ઓફમાં ન પહોંચવાની નામોશીથી બચવું હશે ઓપનર શુભમન ગિલે પાવર-પ્લેમાં ઝડપથી રન બનાવવા પડશે. મોર્ગન આમાં ફેલ ગયો તો કલકત્તાની વહેલી વિદાયની હેટ-ટ્રિક પાકી થઈ જશે.

કલકત્તાની સ્કવોડ

ઇઓન મૉર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક, શુભમન ગિલ, નીતીશ રાણા, ટિમ શિફર્ટ, રિન્કુ સિંહ, ઍન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, કુલદીપ યાદવ, શિવમ માવી, લોકી ફર્ગ્યુસન, પેટ કમિન્સ, કમલેશ નાગરકોટી, સંદીપ વૉરિયર, પ્રસિદ્ધ ક્રિષ્ના, રાહુલ ત્રિપાઠી, વરુણ ચક્રવર્તી, શાકિબ-અલ-હસન, શેલ્ડન જેકસન, વૈભવ અરોરા, હરભજન સિંહ, કરુણ નાયર, બેન કટિંગ, વેન્કટેશ ઐયર, પવન નેગી.

(4:12 pm IST)