Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ટીમ ઈન્ડિયા ૩૪૭/૪ : ન્યુઝીલેન્ડ ૨૨૮/૩ : મેચ જામ્યો

બંને ઓપનરોએ ઈતિહાસ રચ્યો : શ્રેયસ અય્યરની સદી, વિરાટની ફીફટી : અંતિમ ઓવરોમાં રાહુલ (૮૮) અને જાદવની સટાસટી : કિવીઝને મેચ જીતવા ૮૪ બોલમાં ૧૧૩ રનની જરૂર

સેડનપાર્ક : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલ ત્રણ વન-ડે મેચોની સીરીઝનો પ્રથમ મેચ બરાબરનો જામ્યો છે. ન્યુઝીલેન્ડે ટોસ જીતી ભારતને દાવ આપતા બંને નવોદીત ઓપનરોએ ૫૦ રનની ભાગીદારી નોંધાવી હતી. પૃથ્વી શો ૨૦ અને મયંક અગ્રવાલ ૩૨ રને આઉટ થયા હતા. બાદમાં વિરાટ ૫૧ (૬૩ બોલ, ૬ ચોગ્ગા)એ બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે ૧૦૭ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૧૦૩ રન બનાવ્યા હતા. રાહુલ ૬૪ બોલમાં ૩ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી ૮૮ અને જાદવે ૧૫ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૨૬ રને નોટઆઉટ રહ્યા હતા. ભારતે ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૩૪૭ રનનો જંગી જુમલો ખડકયો હતો.

જવાબમાં આ લખાય છે ત્યારે ન્યુઝીલેન્ડે ૩૭.૪ ઓવરમાં ૩ વિકેટે ૨૫૭ રન બનાવ્યા છે. ગુપ્ટીલ ૩૨, નિકોલ્સ ૭૮, બ્લન્ડેલ ૯ રન બનાવી આઉટ થયા છે. ટેલર ૭૮ અને લાથમ ૪૭ રને દાવમાં છે. ન્યુઝીલેન્ડને ૭૨ બોલમાં ૮૭ રનની જરૂર છે. ટીમ ઈન્ડિયાના બોલરો વિકેટ પાડવા તનતોડ મહેનત કરી રહ્યા છે.

પાંચેય ટી-૨૦ મેચોમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવ્યા બાદ આજે સેડન પાર્ક ખાતે ત્રણ વન-ડે મેચોની સિરીઝમાં પ્રથમ વન-ડે  રમાયો હતો. ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતી ભારતને દાવમાં ઉતાર્યુ હતું, પરંતુ તેઓનો આ જુગાડ નિષ્ફળ ગયો હતો અને ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ફરી એક વખત શાનદાર દેખાવ કર્યો હતો.

રોહિત શર્મા અને શિખર ધવન બંને ઓપનરો ઈન્જર્ડ હોય ઘણા સમય બાદ બંને નવા ઓપનરો મેદાનમાં આવ્યા હતા. પૃથ્વી શો અને મયંક અગ્રવાલે ઓપનીંગ કર્યુ હતું. બંનેએ આવતાવેંત ન્યુઝીલેન્ડના બોલરોની ધોલાઈ શરૂ કરી દીધી હતી. પૃથ્વી શો ૨૧ બોલમાં ૩ ચોગ્ગા સાથે ૨૦ રન બનાવી અને મયંક અગ્રવાલ ૩૧ બોલમાં ૬ ચોગ્ગા સાથે ૩૨ રને આઉટ થયો હતો. ભારતની પ્રથમ વિકેટ ૫૦ અને બીજી વિકેટ ૫૪ રને પડી હતી.

ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે બાજી સંભાળી લીધી હતી. વિરાટે ૬૩ બોલમાં ૬ ચોગ્ગા સાથે ૫૧ રન બનાવી સોઢીની બોલીંગમાં બોલ્ડ થયો હતો. જયારે ટી-૨૦માં પણ સુપર્બ દેખાવ બાદ શ્રેયસ અય્યરની વન-ડેમાં પણ શાનદાર બેટીંગ યથાવત છે. તેણે ૧૦૭ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૧૦૩ રન બનાવી આઉટ થયો હતો. વધુ એક ઈન્ફોર્મ બેટ્સમેન બેટ્સમેન લોકેશ રાહુલ ૮૮ રન (૬૪ બોલ, ૩ ચોગ્ગા ૬ છગ્ગા) અને કેદાર જાદવે ૧૫ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૨૬ રને નોટઆઉટ રહ્યો હતો. ભારતે ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૩૪૭ રનનો જંગી જુમલો ખડકયો હતો. સાઉથી ૨, ગ્રાન્ડહોમ ૧, સોઢીને ૧ વિકેટ મળી હતી. ૩૪૮ રનના ટાર્ગેટ સાથે ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમના બેટ્સમેનો ગુપ્ટીલ ૩૨, નિકોલ્સ ૭૮, બ્લન્ડેલ ૯ રન બનાવી આઉટ થયા હતા.ભારતીય ટીમ આ મુજબ છે : પૃથ્વી શો, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, લોકેશ રાહુલ, કેદાર જાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જશપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી.

(3:44 pm IST)