Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં શોટ પુટ સ્‍પર્ધામાં નિરાશાઃ ભારતના તેજિંદરપાલ સિંહ તૂર સ્‍પર્ધામાંથી બહાર

દોહાઃ મેડલનો દાવેદાર મનાઇ રહેલ ભારતના તેજિંદર પાલ સિંહ તૂરને દોહામાં ચાલી રહેલી વિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં શોટ પુટ સ્પર્ધામાં નિરાશા હાથ લાગી અને તે સ્પર્ધામાંથી બહાર થઈ ગયો છે. પાછલા વર્ષે જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર તેજિંદરને ગ્રુપ-બીના ક્વોલિફિકેશનમાં આઠમાં સ્થાનથી સંતોષ કરવો પડ્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા કુલ 34 ખેલાડીઓમાંથી તે 18મા સ્થાને રહ્યો હતો.

તેજિંદરે મુકાબલાની દમદાર શરૂઆત કરી અને પ્રથમ પ્રયાસમાં 20.43 મીટરનો થ્રો કર્યો હતો. પરંતુ બીજા પ્રયાસમાં તે નિષ્ફળ રહ્યો અને તેનો થ્રો અમાન્ય ગણાવવામાં આવ્યો હતો. ભારતીય ખેલાડીએ આગળ વધવા માટે ત્રીજા થ્રોમાં 20.9 મીટરનો થ્રો કરવાનો હતો, પરંતુ તે માત્ર 11.55 મીટરનો થ્રો કરી શક્યો હતો.

વિશ્વ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી ભારતના ખાતામાં માત્ર એક મેડલ છેતે પણ બ્રોન્ઝ જે 2003મા અંજૂ બોબી જોર્જે લાંબી કૂદમાં અપાવ્યો હતો.

1500 મીટરઃ બહાર થયો જિન્સન જોનસન

ભારતનો સ્ટાર એથલીટ જિન્સન જોનસન પણ પુરૂષોના 1500 મીટર સ્પર્ધામાંથી બહાર થઈ ગયો છે. એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ વિજેતા જોનસન હીટ-2મા 10 સ્થાને રહ્યો હતો. સ્પર્ધામાં ભાગ લઈ રહેલા 43 સ્પર્ધકોમાં તે 34મા સ્થાને રહ્યો અને સેમિફાઇનલમાં જગ્યા બનાવી શક્યો નથી.

કેરલના રહેવાસી જોનસને 3 મિનિટ 39:86 સેકન્ડનો સમય લીધો હતો. ભારતીય ખેલાડી હીટમાં પ્રથમ સ્થાને રહેનાર કેન્યાના ટિમથી ચૂરૂયોટથી ત્રણ સેકન્ડ પાછળ રહ્યો હતો.

(5:16 pm IST)