Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પીવી સિંધુ

નવી દિલ્હી: રિયો ઓલિમ્પિક અને ગત વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલીસ્ટ પી.વી. સિંધુએ જાપાનીઝ હરિફ નાઓમી ઓકુહારાને સીધી ગેમ્સમાં ૨૧-૧૭, ૨૧-૧૯થી હરાવીને સતત બીજા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. સિંધુએ આ સાથે ગત વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં મળેલી હારનો બદલો પણ વાળી દીધો હતો. હવે સેમિ ફાઈનલમાં તેનો મુકાબલો જાપાનની યામાગુચી સામે થશે. નોંધપાત્ર છે કે, સિંધુ ગત વર્ષની સિઝનની આખરી ટુર્નામેન્ટ - સુપર સિરિઝની ફાઈનલ્સમાં યામાગુચી સામે હારી હતી અને સિંધુને તેનો બદલો લેવાની તક છે. સેમિ ફાઈનલમાં પ્રવેશની સાથે સિંધુએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેનો ચોથો મેડલ નિશ્ચિત કર્યો હતો. સિંધુ અગાઉ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બે બ્રોન્ઝ જીતી ચૂકી છે. જ્યારે ગત વર્ષે તેને સિલ્વર મળ્યો હતો. જોકે વર્ષ ૨૦૧૫ની ફાઈનલીસ્ટ અને ગત ચેમ્પિયનશીપની બ્રોન્ઝ મેડાલીસ્ટ સાયના નેહવાલ સ્પેનની કારોલીના મરીન સામે ૬-૨૧, ૧૧-૨૧થી ક્વાર્ટર ફાઈનલમાં હારીને વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ-૨૦૧૮માંથી બહાર ફેંકાઈ હતી.જ્યારે ભારતના સાઈ પ્રણિતને ક્વાર્ટર ફાઈનલમાં છઠ્ઠો સીડ ધરાવતા કેન્ટો મોમોટો સામે ૧૨-૨૧, ૧૨-૨૧થી હારનો સામનો કરવો પડયો હતો. આ સાથે મેન્સ સિંગલ્સમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો. અગાઉ કિદામ્બી શ્રીકાંત, સમીત વર્મા અને એચએસ પ્રનોય હારીને બહાર ફેંકાઈ ચૂક્યા છે.

(4:49 pm IST)