Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ભારતની પીચો ઉપર મેચ જીતાડવા અશ્વિન - જાડેજા સક્ષમ

ટીમ ઈન્ડિયાના પૂછડીયા ખેલાડીઓ રન નથી બનાવી શકતા જે અમારા માટે એક મોટો પ્રશ્ન છે : વર્લ્ડકપ સુધીમાં તમામ ખેલાડીઓ ફીટ રહે તેથી રોટેશન પદ્ધતિ અપનાવી રહ્યા છીએ : વિન્ડીઝ સામે બોલરો ૨૦ વિકેટ લેવામાં સફળતા મેળવશે : એશિયા કપમાં આરામની જરૂર હતી : વિરાટ કોહલીની પ્રેસ કોન્ફરન્સ

રાજકોટ, તા. ૩ : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આવતીકાલથી ટેસ્ટ જંગનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજે સવારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ આકરા તાપમાં બેટીંગ - બોલીંગની આકરી નેટ પ્રેકટીસ કરી હતી. બાદમાં ટીમ ઈન્ડિયાના ધુઆધાર કેપ્ટન વિરાટ કોહલીએ  પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં લાંબા પ્રવાસ કર્યા બાદ એશિયા કપમાં અને આરામની જરૂર હતી. હાલ છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમમાં વર્કલોડ વધી ગયો છે. તમે ૬ કલાક બેટીંગ કરો કે, ૦ રનમાં આઉટ થાવ તો પણ ખેલાડીને થાક તો લાગે જ છે. જેના પરિણામ સ્વરૂપે એશિયા કપમાં મેં આરામ લેવાનું વિચાર્યુ હતું.

આમ પણ આગામી વર્ષે વર્લ્ડકપ આવી રહ્યો હોય તમામ ખેલાડીઓ ફીટ રહે તેથી રોટેશન પદ્ધતિ અપનાવી રહ્યા છીએ. જેથી કરીને તાજેતરમાં જ એશિયા કપમાં હાર્દિકને મેચ દરમિયાન ઈન્જરી થઈ તેવી ઘટના ન બને. રાજકોટની પીચ અંગે વિરાટે કહ્યું હતું કે, આ પહેલા પણ હું ખંઢેરીના મેદાનમાં રમી ચૂકયો છું. વિકેટ સરળ છે, પણ આજે સાંજે ટીમની મીટીંગ મળ્યા બાદ જ કોઈ નિર્ણય લઈ શકું.

અશ્વિન અને જાડેજા અંગે વિરાટે કહ્યું કે, આ બંને ખેલાડીઓ ભારતની પીચો ઉપર ટીમ ઈન્ડિયાને જીતાડવા સક્ષમ છે. જેથી આ બંને ખેલાડીઓને ડ્રોપ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. વિદેશની પીચો ફાસ્ટ હોય જેના કારણે એકાદ સ્પિનરને અમે આરામ આપી ફાસ્ટ બોલરને ટીમમાં સમાવેશ કરીએ છીએ.

સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝની હાર અંગે ટીમ ઈન્ડિયાના કેપ્ટને કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી અમારી ટીમના પૂછડીયા ખેલાડીઓ રન બનાવી નથી શકતા. જેથી અમારી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જયારે આ બંને સિરીઝમાં વિરોધી ટીમોના પૂછડીયા ખેલાડીઓએ બેટીંગમાં સારી રમત દાખવી હતી. જો કે ભારતની પીચો ઉપર ભારત હંમેશા જીત માટે ફેવરીટ જ રહ્યું છે. આપણા બોલરો ૨૦ વિકેટ લેવામાં સફળતા જરૂર મેળવશે.

કરૂણ નાયરની પસંદગી ન થવાના પ્રશ્ને વિરાટે પત્રકારોને કહ્યું કે, એવું જરૂરી નથી કે, ટીમની પસંદગી સમયે કેપ્ટનનો મત લેવો જરૂર પડે. હવે આ પ્રશ્નને ચગાવવાનો કોઈ અર્થ જ નથી. કોહલીએ ટીમ ઈન્ડિયાના ઉડતા ક્રિકેટરો પૃથ્વી શો, મયંક અગ્રવાલ વિશે કહ્યું હતું કે આ બંને નવોદીત ખેલાડીઓએ આઈપીએલ અને બાદમાં ડોમેસ્ટીક ક્રિકેટમાં પણ શાનદાર પર્ફોર્મન્સ કર્યુ હતું. તેઓ આગામી સીઝનમાં પણ શાનદાર પર્ફોર્મન્સ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવું છું.(૩૭.૧)

(4:09 pm IST)