Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

એથ્લીટ નવીન ડાગરનો ડોપ ટેસ્ટ પોઝિટીવ આવતા વિવાદ

નવી દિલ્હી: ઈન્ડોનેશિયામાં યોજાનારી એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમમાં સામેલ એથ્લીટ નવીન ડાગરનો ડોપ ટેસ્ટ પોઝિટીવ આવતા વિવાદ સર્જાયો છે. ગુવાહાટીમાં યોજાયેલી ઈન્ટર સ્ટેટ એથ્લેટિક્સ મીટમાં લેવામાં આવેલા ડોપ ટેસ્ટમાં પ્રતિબંધિત ડ્રગ મેલ્ડોનિયમ મળી આવ્યું હતુ. હવે તે એશિયાડ ગુમાવશે તે લગભગ નક્કી મનાય છે. ડાગરે ૨૦૧૪ની ઈન્ચેઓન એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે તાજેતરની ઈન્ટર સ્ટેટ મીટમાં એશિયન ગેમ્સ માટેના ક્વોલિફાઈંગ ટાઈમને હાંસલ કર્યો હતો. ભારતીય એથ્લેટિક્સ ફેડરેશને નવીન ડાગર પર તારીખ ૨૩મી જુલાઈથી કામચલાઉ ધોરણે પ્રતિબંધ મુકી દીધો છે અને હવે તેની સામે તપાસ ચલાવવામાં આવશે. થોડા સમય પહેલા ડાગર ભારતના અન્ય એથ્લીટ્સની સાથે ભુતાનમાં પ્રેક્ટિસ માટે ગયો હતો. જોકે તેનો ડોપ ટેસ્ટ પોઝિટીવ આવતા હવે તેના પર પ્રતિબંધ મૂકાયો છે અને તેના બી સેમ્પલના પરીણામની રાહ જોવામાં આવી રહી છે. રસપ્રદ બાબત છે કે, ભારતીય એથ્લેટિક્સ એસોસિએશન કે પછી નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીમાંથી કોઈએ અંગે સત્તાવાર વિજ્ઞાપ્તિ જાહેર કરી નથી. નવીન ડાગરના પ્રતિબંધને કારણે જકાર્તા-પાલેમ્બાગમાં યોજાનારી એશિયન ગેમ્સમાં પુરુષોની ૩૦૦૦ મીટરની સ્ટીપલચેઝ ઈવેન્ટમાં ભારત તરફથી કોઈ ભાગ નહિ લે. અગાઉ જેવલીન થ્રોઅર અમીત કુમારનો ડોપ ટેસ્ટ ઈન્ટર સ્ટેટ મીટમાં પોઝિટીવ આવ્યો હતો.

 

(5:25 pm IST)