Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા એથ્લીટ હકમ સિંઘની હાલત કફોડી

નવી દિલ્હી: એક તરફ ભારતીય ખેલાડીઓને અન્ય રમતોમાં મેડલ્સ મળતાં હોવાની ફરિયાદ થતી રહે છે, જ્યારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરની મેજર ઈવેન્ટ્સના ઘણા મેડાલીસ્ટની હાલત અત્યંત કફોડી જોવા મળી રહી છે. ..૧૯૭૮ના એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા એથ્લીટ અને આર્મીમેન હકમ સિંઘ છેલ્લા કેટલાક સમયથી લીવર અને કિડનીની ગંભીર બીમારી સામે સંઘર્ષ કરી રહ્યા છે. હકમ સિંઘના પરિવારની આર્થિક હાલત અત્યંત નબળી હોવાથી તેઓ યોગ્ય રીતે તેમની સારવાર પણ કરાવી શક્યા નહતા. સરકારી તંત્રએ તો પહેલા ભારતીય એથ્લેટિક્સના દિગ્ગજ સ્ટારને મદદ કરવાનો ઈનકાર કરી દીધો હતો, જોકે ત્યાર બાદ મીડિયાના અહેવાલને પગલે કેન્દ્ર અને રાજ્ય સરકાર મદદ માટે આગળ આવી છે.
૬૪ વર્ષના હકમ સિંઘ ભટ્ટલ .. ૧૯૭૨માં ભારતીય સૈન્યની સિક્સ સીખ રેજિમેન્ટમાં હવાલદાર તરીકે જોડાયા હતા. તેમણે ૧૯૭૮ના બેંગ્કોક એશિયાડમાં ૨૦ કિમી ઝડપી ચાલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમને ૨૦૦૮માં રાષ્ટ્રપતિના હસ્તે મેજર ધ્યાન ચંદ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આર્મીમાંથી ૧૯૮૭માં નિવૃત્ત થયા બાદ તેઓના ૧૬ વર્ષ અત્યંત મુશ્કેલીમાં ગયા હતા. જે પછી છેક ૨૦૦૩માં પંજાબ સરકારે તેમને એથ્લેટિક્સ કોચ તરીકે કોન્સ્ટેબલ રેન્કની નોકરી આપી હતી, જેમાંથી તેઓ ૨૦૧૪માં નિવૃત્ત થયા હતા. જે પછી તેમને કોઈ સરકારી સહાય મળી નહતી.
જોકે અંગેના સમાચાર મીડિયામાં ચમક્યા બાદ પંજાબના વડાપ્રધાન કેપ્ટન અમ્રિન્દર સિંઘે હકમ ભટ્ટલના પરિવારને તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી. જ્યારે કેન્દ્રિય ખેલ મંત્રી રાજ્યવર્ધન રાઠૌરે હકમને તત્કાળ રૃપિયા ૧૦ લાખની સહાય કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ભારતીય ક્રિકેટર હરભજન સિંઘ, આર.પી. સિંઘ સહિતના અન્ય સેલિબ્રિટિઝ પણ હકમની મદદ માટે આગળ આવ્યા હતા.

(5:25 pm IST)