Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

બીસીસીઆઇએ ઘરેલુ ક્રિકેટ કાર્યક્રમ જાહેર કર્યો :21 ઓક્ટોબરથી સીઝન શરૂ

શરુઆત સિનિયર મહિલા વન ડે લીગ સાથે કરવાનું આયોજન: 2021-22ની ઘરેલુ સિઝન દરમ્યાન મહિલા અને પુરુષ વર્ગની કુલ 2,127 ઘરેલુ મેચ રમાશે

મુંબઈ :કોરોના વાયરસને લઈને વિશ્વભરના રમતના આયોજનો પર વિપરીત અસર પડી છે. જેમાં ક્રિકેટે પણ વર્ષ 2020 અને 2021 દરમ્યાન તેની ગંભીર અસર ભોગવી છે.. આ દરમ્યાન હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વર્ષ 2021-22ની ઘરેલુ સિઝનના કાર્યક્રમોની ઘોષણાં કરી છે.

BCCIએ ઘરેલુ ક્રિકેટની શરુઆત સિનિયર મહિલા વન ડે લીગ સાથે કરવાનું આયોજન ઘડ્યુ છે. જેની શરુઆત 21 સપ્ટેમ્બરથી થશે. ત્યારબાદ સિનિયર મહિલા વન ડે ચેલેન્જર્સ ટ્રોફી શરુ થશે. જે 27 ઓક્ટોબરથી રમાનાર છે. રણજી ટ્રોફી ની ગત સિઝન કોરોનાકાળને લઈને રદ કરવામાં આવી હતી.

પરંતુ આ વખતે ઘરેલુ ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે અપેક્ષા મુજબ આયોજન જાહેર કરાયુ છે. રણજી ટ્રોફી ત્રણ મહિનાની વિન્ડોમાં રમાનાર છે. જેની શરુઆત 16 નવેમ્બરથી થશે અને 19 ફેબ્રુઆરી 2022 સુધી રમાનાર છે.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની શરુઆત 20 ઓક્ટોબર 2021થી થનાર છે. જેની ફાઈનલ મેચ 12 નવેમ્બરે રમાશે. ઉપરાંત વિજય હજારે ટ્રોફી  23 ફેબ્રુઆરી 2022થી 26 માર્ચ 2022 સુધી રમાનાર છે. વર્ષ 2021-22ની ઘરેલુ સિઝન દરમ્યાન મહિલા અને પુરુષ વર્ગની કુલ 2,127 ઘરેલુ મેચ રમાનાર છે.

(11:42 pm IST)