Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

અમદાવાદમાં અખિલ ગુજરાત ઓપન ઈન્વીટેશન કબડ્ડી ડે એન્ડ નાઈટ ટૂર્નામેન્ટ સંપન્નઃ તાપીની ટીમ ચેમ્પિયન

સરકારની ખેલકૂદ પ્રોત્સાહક નીતિનો બહોળા પ્રમાણમાં યુવા વર્ગને લાભ લેવા રાજુભાઈ ધ્રુવની હાંકલ

રાજકોટ,તા.૩: ''ખેલે ગુજરાત, જીતે ગુજરાત'' તેમજ ''ખેલેં ઇન્ડિયા'' જેવી રાજય અને કેન્દ્ર સરકારની ખેલકૂદ પ્રોત્સાહક યોજનાઓનો યુવા વર્ગ દ્વારા બહોળા પ્રમાણમાં લાભ લઇ રમત-ગમતની વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું આયોજન થાય છે તે ખુબ જ આનંદની બાબત છે. ખેલકૂદ દ્વારા યુવાનોનો સર્વાંગી વિકાસ થાય છે જે સશકત રાષ્ટ્રના નિર્માણ માટે પણ આવશ્યક છે. તેમ ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલી અખિલ ગુજરાત ઓપન ઇન્વીટેશન કબડ્ડી ટૂર્નામેન્ટના સમાપન પ્રસંગે જણાવ્યું હતું.

અમદાવાદ ખાતે સરદાર બ્રીજની બાજુમાં અને સાબરમતી નદી (રીવરફ્રન્ટ)ના કિનારે મહાકાળી શકિતપીઠ વાલ્મિકી સમાજના ભાઈઓ દ્વારા ૬૫ વર્ષોથી કાર્યરત સરદાર બ્રિજ કબડ્ડી સ્પોર્ટ્સ કલબ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનના સંયુકત ઉપક્રમે, ત્રણ દિવસ ભાઈઓ / બહેનો માટે અખિલ ગુજરાત ઓપન ઇન્વીટેશન કબડ્ડી ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી.આ ટુર્નામેન્ટ નું મંગલ દીપ પ્રાગટ્ય દ્વારા ઉદ્ધાટન રાજયસભા સભ્ય મહંત શ્રી શંભુપ્રસાદ ટૂંડીઆ તથા અતિથિ વિશેષ કેન્દ્રિય સફાઈ કર્મચારી આયોગ ના ચેરમેન મનહરભાઈ ઝાલા તથાઆ સમગ્ર ટુર્નામેન્ટ ના અધ્યક્ષ  રાજુભાઇ ધ્રુવ દ્વારા કરવા માં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટમાં ભાઈઓમાં વાલ્મીકી સમાજની સરદાર બ્રીજ કબડ્ડી સ્પોર્ટ્સ કલબ પ્રથમ, વડોદરા ટીમ દ્વિતીય, સુરત ગ્રામ્ય ટીમ તૃતીય અને અમદાવાદની સુભાસ સ્પોર્ટસ ટીમ ચતુર્થ સ્થાને વિજેતા થઇ હતી. જયારે બહેનોમાં પ્રથમ તાપી, દ્વિતીય આણંદ,  તૃતીય વડોદરા અને ચતુર્થ સ્થાને કચ્છ ટીમ વિજેતા થઈ હતી. વિજેતા ટીમો તેમજ સ્પર્ધામાં સારો દેખાવ કરનાર ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી તથા રોકડ પુરસ્કાર એનાયત કરીને પ્રોત્સાહિત કરાયા હતાં.

આ ટુર્નામેન્ટમાં સમાપન સમારોહના અધ્યક્ષસ્થાનેથી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ અને ભાજપના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે  કહ્યું હતું કે, રાજય અને કેન્દ્ર સરકાર રમત-ગમતની વિવિધ પ્રવૃત્તિઓને ખુબ જ પ્રોત્સાહન આપી રહી છે. 'ખેલે ગુજરાત, જીતે ગુજરાત' અને 'ખેલેં ઇન્ડિયા' જેવા કાર્યક્રમો રમત-ગમતની પ્રવૃત્તિને વેગ આપવા યોજવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, આઉટડોર, ઈન્ડોર રમતો માટે સરકાર સંખ્યાબંધ સ્પોર્ટસ સંકુલો ઉભા કરી રહી છે.  આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આર્થિક સંપન્નતા ન હોવા છતાં, વાલ્મિકી સમાજના અગ્રણીઓ અને યુવાનોએ ટાંચા સાધનો વચ્ચે ભારતીય દેશી રમતની સ્પર્ધાનું સફળ આયોજન કર્યું તે બદલ સરદાર બ્રીજ કબડ્ડી સ્પોર્ટસ કલબ અત્યંત અભિનંદનને પાત્ર છે. વાલ્મિકી કલબના રમતવીરો સ્પોર્ટસમેન સ્પીરીટ સાથે રમત-ગમતમાં તલ્લીનતા, ખુમારી અને ઝનૂન સાથે રમીને પ્રથમ નંબરે વિજેતા થયા તે સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે.

અતિથિવિશેષપદેથી  સુરેશભાઈ મકવાણાએ વિજેતા ટીમોને અભિનંદન આપ્યા હતા. ગુજરાત સ્ટેટ કબડી એસોસિએશન ના સેક્રેટરી  દિનેશભાઈ ૫ટેલે જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં ભાઈઓની ૩૨ ટીમો અને બહેનોની ૧૮ ટીમોએ ભાગ લીધો હતો.  કાર્યક્રમની સફળતા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્રરભાઈ ૫રમાર, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.  કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ચૌહાણે  આભારદર્શન ગોવિંદભાઈએ ગોટીએ કર્યું હતું. આ પ્રસંગ સર્વશ્રી વિક્રમભાઈ ચૌહાણ , મદનભાઇ ઠાકોર, તુષારભાઈ અરોઠે, મહેશભાઈ ભટ્ટી , વિક્રમભાઈ ચૌહાણ, અંકિતભાઈ મોરલીયા,  ભાનુભાઈ, મહેશભાઈ ભટ્ટી વાલ્મિકી આશ્રમ સંત શ્રી ભરતદાસ, ચોટીલા ના છબીલભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. ટૂર્નામેન્ટને સફળ બનાવવા સરદાર બ્રીજ કબડ્ડી સ્પોર્ટસ કલબના પ્રમુખ અનિલભાઈ વાઘેલા ઉપપ્રમુખ પંકજભાઈ ચૌહાણ, મંત્રી લક્ષમણભાઈ ૫રમાર, સહમંત્રી ભાનુભાઈ ચૌહાણ, સર્વે હોદ્દેદારો અને સભ્યએ ભારે જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમ- ટુર્નામેન્ટનું  સંચાલન વાલ્મિકી સમાજ ના સમર્પિત સમજસેવકો પંકજભાઈ ચૌહાણ તથા અનિલભાઈ વાઘેલા એ કર્યું હતું.(૩૦.૫)

(4:10 pm IST)