Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

ચેતેશ્વરની સુપર્બ સદી : મયંકની ફિફટી : ભારત - ૩૦૩/૪

સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી દાવ લીધો : પૂજારા ૧૩૦ રને દાવમાં (સિરીઝમાં ત્રીજી સદી) : અગ્રવાલ ૭૭, રાહુલ ૯ અને વિરાટ ૨૩ રને આઉટ : હેઝલવૂડને ૨, સ્ટાર્ક- લીયનને ૧-૧ વિકેટ

સિડની,તા.૩: ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે સિડનીના મેદાનમાં આજથી ચોથા અને અંતિમ ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે. સિરીઝમાં ભારત ૨- ૧થી આગળ છે. વિરાટસેનાને ઈતિહાસ સર્જવાની તક છે. ભારતે ટોસ જીતી દાવ લેતા મકકમ શરૂઆત કરી છે.

પ્રથમ દિવસની રમતના અંતે ભારતે ૯૦ ઓવરમાં ૪ વિકેટે ૩૦૩ રન બનાવી લીધા છે. ચેતેશ્વર પૂજારાએ સુપર્બ સદી ફટકારી છે અને સિરીઝમાં આ તેની ત્રીજી સદી છે. પૂજારા ૧૩૦ રને દાવમાં છે.

મયંક અગ્રવાલની સાથે ઓપનીંગમાં લોકેશ રાહુલને ફરી એક તક આપવામાં આવી હતી. પણ તે નિષ્ફળ ગયો હતો અને ૯ રને આઉટ થયો હતો. બાદ મયંક અને ચેતેશ્વરે બાજી સંભાળી લીધી હતી. મયંક ૭૭ રને આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં આવ્યો હતો અને અંગત ૨૩ રને આઉટ થયો હતો. ત્યારબાદ રહાણે પણ ૧૮ રને આઉટ થયો હતો.

દિવસના અંત સુધી ચેતેશ્વર અને હનુમા વિહારીએ બાજી સંભાળી હતી. ચેતેશ્વર ૧૩૦ અને હનુમા વિહારી ૩૯ રને દાવમાં છે. પ્રથમ દિવસની રમતના અંતે ભારતે ૪ વિકેટે ૩૦૩ રન બનાવી લીધા છે. હેઝલવૂડે ૨ અને લીયન, સ્ટાર્કે ૧-૧ વિકેટ લીધી છે.

ટીમ ઈન્ડિયામાં લોકેશ રાહુલ અને કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.(૩૭.૧૧)

(3:55 pm IST)