Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

એસેજ સીરીઝનો બીજો મુકાબલો આવતીકાલથી

નવી દિલ્હી: ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસના સૌથી જૂના અને કટ્ટર હરિફો એવા ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી એશિઝ ટેસ્ટ શ્રેણીનો બીજા મુકાબલો એડીલેડમાં પિંક બોલથી ડે-નાઈટમાં રમાશે. સ્ટીવ સ્મિથની ૧૪૧ રનની ઈનિંગ તેમજ બોલરોના અસરકારક દેખાવને સહારે પ્રથમ ટેસ્ટ જીતી ચૂકેલું ઓસ્ટ્રેલિયા વધુ સફળતાની તલાશમાં મેદાન પર ઉતરશે. જ્યારે સ્ટોક્સની ગેરહાજરીથી પરેશાન ઈંગ્લેન્ડ પર બ્રિસ્બેનની હારને કારણે દબાણ સર્જાયું છે. હવે આવતીકાલે કોણ વધુ અસરકારક દેખાવ કરશે તેના પર ક્રિકેટ ચાહકોની મીટ મંડાઈ છે. ભારતીય સમય પ્રમાણે સવારે .૦૦ વાગ્યાથી એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટનો પ્રારંભ થશે. છેલ્લા કેટલાક સમયથી પિંક બોલથી રમાતી ડે-નાઈટ ટેસ્ટ મેચ લોકપ્રિય બની રહી છે અને હવે એશિઝ જેવી પ્રતિતિ શ્રેણીમાં પણ નવા પ્રયોગને અજમાવવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે તેના વિનિંગ કોમ્બિનેશનને જાળવી રાખવાનો નિર્ણય જાહેર કરી દીધો છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટમાં જીત તો મેળવી હતી, પણ ટીમ મેનેજમેન્ટ હજુ બેટ્સમેનોના પર્ફોમન્સથી ખુશ નથી. ખાસ કરીને ઓપનર બનક્રોફ્ટ, હેન્ડસ્કોમ્બ, ખ્વાજા જેવા બેટ્સમેનો ટીમમાં વધુ યોગદાન આપે તેવી આશા ટીમ મેનેજમેન્ટ રાખી રહ્યું છે. જ્યારે સ્ટાર્ક, હેઝલવૂડ અને કમિન્સની ત્રિપુટીની સાથે સ્પિનર લાયનની મદદ સ્મિથે પણ કરી હતી અને બોલરો તેમના પર્ફોમન્સના પુનરાવર્તન માટે ઉત્સુક છે. ઈંગ્લેન્ડના કેપ્ટન રુટ માટે માટે પણ બેટ્સમેનોનો દેખાવ ચિંતાનું કારણ છે. પ્રવાસી ટીમમાં ઓલરાઉન્ડર સ્ટોક્સની ખોટ સ્પષ્ટ દેખાઈ રહી છે અને તેમની બેટીંગ અને બોલિંગ બંને લાઈનઅપ ઓસ્ટ્રેલિયા પર દબાણ સર્જવામાં નિષ્ફળ જોવા મળી હતી. તેમાંય મોઈન અલીના બોલિંગ હેન્ડની આંગળીમાં ઈજા હોવાના અહેવાલ વહેતા થયા છે, જે ઈંગ્લેન્ડની ચિંતા વધારે છે. આમ છતાં, ઈંગ્લેન્ડ પણ તેની ટીમમાં કોઈ પરિવર્તન કરે તેવી શક્યતા નથી. ઓસ્ટ્રેલિયા - બનક્રોફ્ટ, વોર્નર, ખ્વાજા, સ્મિથ (કેપ્ટન), હેન્ડસ્કોમ્બ, શોન માર્શ, પૈન (વિ.કી.), સ્ટાર્ક, હેઝલવૂડ, કમિન્સ અને લાયન. ઈંગ્લેન્ડ - (સંભવિત) કૂક, સ્ટોનમેન, વિન્સ, રુટ (કેપ્ટન), મલાન, મોઈન અલી, બારિસ્ટો (વિ.કી.), વોક્સ, બોલ, એન્ડરસન, બ્રોડ.

 

(5:58 pm IST)