Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

સચિનને પાછળ છોડી વિરાટ કોહલીએ કર્યો વધુ એક રેકોર્ડ

વિરાટે ૨૩,૦૦૦ રનનો આંકડો પાર કર્યો : વિરાટે ૪૯૦ ઈનિંગમાં ૨૩,૦૦૦ રનનો આંકડો પાર કર્યો છે : આ રેકોર્ડ માટે સચિને ૫૨૨ ઈનિંગ્સ રમી હતી

લંડન, તા.૨ : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ૨૩,૦૦૦ રન પૂરા કરવાનો વિશ્વ રેકોર્ડ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના નામે કરી લીધો છે. લંડનના ધ ઓવલ મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ ૧૭.૬ ઓવરમાં એન્ડરસનના બોલ પર ચોગ્ગો ફટકારી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વિરાટે માત્ર ૪૯૦ ઈનિંગમાં ૨૩,૦૦૦ રનનો આંકડો પાર કર્યો છે, આ પહેલા સૌથી ઝડપી ૨૩,૦૦૦ આંતરરાષ્ટ્રીય રનનો વિશ્વ રેકોર્ડ તેંડુલકરના નામે હતો, જેણે ૫૨૨ ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.

આ મામલામાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ ત્રીજા સ્થાને છે, જેણે ૫૪૪ ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. ચોથા નંબર પર ૫૫૧ ઈનિંગની સાથે આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર જેક્સ કાલિસ છે.

પાંચમાં નંબર પર સાંગાકારા છે, જેણે ૫૬૮ ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલીની વાત કરીએ તો તેના ખાસામાં ૧૨,૧૬૯ વનડે, ૩૧૫૯ ટી૨૦ આંતરરાષ્ટ્રીય અને ૭૬૭૧ થી વધુ ટેસ્ટ રન નોંધાયેલા છે. વિરાટે અત્યાર સુધી ૨૭ ટેસ્ટ, ૪૩ વનડે આંતરરાષ્ટ્રીય સદી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી પહેલા ૨૩,૦૦૦ રન સચિને વર્ષ ૨૦૦૪માં પૂરા કર્યા હતા. ત્યારબાદ ૨૦૦૯માં રિકી પોન્ટિંગે આ કમાલ કર્યો હતો. વિરાટ કોહલીએ વર્ષ ૨૦૨૧માં આ સિદ્ધિ પોતાના નામે કરી છે તો રાહુલ દ્રવિડે વર્ષ ૨૦૧૧માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ કમાલ કર્યો હતો. 

સૌથી ઝડપી ૨૩,૦૦૦ રન બનાવનારા બેટ્સમેન

૪૯૦ ઇનિંગ્સ

વિરાટ કોહલી

૫૨૨ ઇનિંગ્સ

સચિન તેંડુલકર

૫૪૪ ઇનિંગ્સ

રિકી પોન્ટિંગ

૫૫૧ ઇનિંગ્સ

જેક્સ કાલિસ

૫૬૮ ઇનિંગ્સ

કુમાર સંગાકારા

૫૭૬ ઇનિંગ્સ

રાહુલ દ્રવિડ

૬૪૫ ઇનિંગ્સ

મહેલા જયવર્દને

(9:01 pm IST)