Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સિંધુ સ્વદેશ ફર્યા બાદ નરેન્દ્રભાઇ સાથે આઇસ્ક્રીમ ખાશે

 નવી દિલ્હીઃ ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી સિંધુએ સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં દેશ માટે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે.  સિંધુની આ સિદ્ધિ બદલ સમગ્ર દેશ તેને અભિનંદન આપી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ સિંધુને અભિનંદન પાઠવ્યા છે. હવે જ્યારે સિંધુ મેડલ લઈને ઘરે પરત આવશે ત્યારે પીએમ મોદી તેમની સાથે આઈસ્ક્રીમ ખાશે. સિંધુના પિતા પીવી રમન્નાએ આ વાતનો ખુલાસો કર્યો છે.

રમન્નાએ કહ્યું, મને લાગે છે કે તે ૩ ઓગસ્ટે ઘરે પરત ફરી રહી છે. હું તેમને લેવા માટે દિલ્હી જવાની યોજના બનાવી રહ્યો છું. ટોક્યો જતા પહેલા પીએમ મોદીએ સિંધુને ઘણું પ્રોત્સાહન આપ્યું હતું અને સિંધુને કહ્યું હતું કે જ્યારે તમે મેડલ સાથે પાછા ફરો ત્યારે અમે આઈસ્ક્રીમ ખાઈશું. હવે ઘરે પરત ફર્યા બાદ સિંધુ પીએમ મોદી સાથે આઈસ્ક્રીમ ખાશે. ઉલ્લેખનીય છે કે, ટોક્યો રવાના થતા પહેલા વડાપ્રધાન મોદીએ તમામ રમતવીરો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન, સિંધુ સાથે વાત કરતી વખતે, તેણે તેની સાથે તેના આહાર વિશે પણ વાત કરી. મોદીએ સિંધુને કહ્યું કે તમારે તમારી તૈયારીઓ માટે આઈસ્ક્રીમ પણ છોડવી પડશે. નરેન્દ્રભાઇએ વધુમાં કહ્યું હતું કે તમે ટોક્યોથી મેડલ લાવો અને પછી અમે સાથે આઈસ્ક્રીમ ખાઈશું.

(4:05 pm IST)