Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

વર્લ્ડ ચેમ્પિયનશિપના પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં આ ખેલાડીઓએ મેળવ્યું સ્થાન

નવી દિલ્હી:વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ભારતના કિદામ્બી શ્રીકાંત અને સાઈ પ્રણિતે મેન્સ સિંગલ્સમાં અને પી.વી. સિંધુએ વિમેન્સ સિંગલ્સમાં પોતપોતાની મેચ જીતીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. જોકે મેન્સ સિંગલ્સમાં ભારતના એચએસ પ્રનોય અને સમીર વર્મા પોતપોતાની મેચ હારીને બહાર ફેંકાયા હતા. મેન્સ ડબલ્સમાં ભારતના સાત્વિક-ચિરાગની અને અત્રિ-સુમીથની જોડીઓ હારીને બહાર ફેંકાઈ હતી. વિમેન્સ ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન.સિક્કી રેડ્ડીની જોડી પણ બહાર થઈ ગઈ હતી. ચીનના નીન્જીંગ શહેરમાં ચાલી રહેલી વર્લ્ડ ચેમ્પિયનશીપની મેન્સ સિંગલ્સ કેટેગરીની બીજા રાઉન્ડની મેચમાં શ્રીકાંતે ઓછા જાણીતા સ્પેનિશ ખેલાડી પાબ્લો એડીન સામે ૨૧-૧૫, ૧૨-૨૧, ૨૧-૧૪ના ભારે સંઘર્ષ બાદ વિજય મેળવ્યો હતો. ભારતન સાઈ પ્રણિતે સ્પેનના લુઈસ એનરિક પેનાલ્વેરને આસાનીથી ૨૧-૧૮, ૨૧-૧૧થી હરાવીને આગેકૂચ પ્રાપ્ત કરી હતી. ગત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારી ભારતની પી.વી. સિંધુએ ઈન્ડોનેશિયન બેડમિંટન ખેલાડી ફિટ્રિની સામે ૨૧-૧૪, ૨૧-૯થી આસાન જીત મેળવી હતી. સાથે સિંધુએ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. જોકે ભારતના સમીર વર્મા અને એચએસ પ્રનોયને બીજા રાઉન્ડની હાર સાથે બહાર ફેંકાવું પડયું હતુ. સમીરનો પાંચ વખતના ચેમ્પિયન એવા ચીનના લીન ડાન સામે ૧૭-૨૧, ૧૪-૨૧ના સંઘર્ષ બાદ પરાજય થયો હતો. જ્યારે બ્રાઝિલના યોર કોલ્હો સામેની મેચમાં પ્રનોય ૨૧-, ૧૬-૨૧, ૧૫-૨૧ ના સંઘર્ષ બાદ હારી ગયો હતો. ડબલ્સમાં પણ ભારત માટે ઉત્સાહજનક પરીણામ રહ્યા નહતા. સાત્વિક અને ચિરાગની જોડી ૨૧-૧૮, ૧૫-૨૧, ૨૧-૧૬થી ડેનમાર્કના કિમ એસ્ટ્રપ અને એન્ડ્રેસ રાસમુસેન સામે તેમજ અત્રિ અને સુમિથની જોડી ૨૨-૨૪, ૨૧-૧૩, ૨૧-૧૬ થી જાપાનના તાકુતો ઈનોયુ અને યુકી કાનેકો સામે હારી ગયા હતા. વિમેન્સ ડબલ્સમાં અશ્વિની અને સિક્કીનો જાપાનની યુકી અને સાયાકા સામે ૨૧-૧૪, ૨૧-૧૫થી પરાજય થયો હતો.

 


 

 

(4:42 pm IST)