Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

રોહિત, હાર્દિક અને કૃણાલને મુંબઈ તથા રિષભ અને શ્રેયસને દિલ્હી જાળવી રાખશે

રાજસ્થાન સ્મિથને, હૈદ્રાબાદ વોર્નર અને દિપક હુડાને તથા ચેન્નઈ ધોની, રૈના અને જાડેજાને ટીમમાં રાખશે : ચોથી જાન્યુઆરી પહેલા તમામ નામ જાહેર કરવાની ટીમને ડેડલાઈન, ૨૭ જાન્યુઆરીએ આઈપીએલનું મેગા ઓકશન

૨૭ જાન્યુઆરીએ થનારી આઈપીએલની હરાજી પહેલા ડીફેન્ડીંગ ચેમ્પિયન મુંબઈ કેપ્ટન રોહિત શર્મા સાથે પંડ્યા બ્રધર્ર્સ હાર્દિક અને કૃણાલને અને દિલ્હી રીષભ પંત તથા શ્રેયસ અય્યરને ટીમમાં રીટેન કરશે. ફ્રેન્ચાઇઝી ટીમોને ચોથી જાન્યુઆરી પહેલા તેઓ કયાં કયાં ખેલાડીઓને પોતાની ટીમમાં જાળવી રાખવા માગે છે એની માહિતી આપવા માટે જણાવ્યુ છે તો બાકીના બે ખેલાડીઓને તેઓ રાઈટ ટુ મેચ કાર્ડ હેઠળ પોતાની ટીમમાં લેશે.

ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીએ જણાવ્યુ હતું કે ત્રણ વખત ટીમને આઈપીએલ ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માને લેવામાં કોઈ આશંકા નહોતી અને હાર્દિક મોટો ખેલાડી હતો, પરંતુ તેના મોટાભાઈ કૃણાલની પસંદગી મહત્વની છે. તે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો ન હોવાથી તેને માટે ૭ કરોડ રૂપિયા ખર્ચવાને બદલે માત્ર ૩ કરોડ રૂપિયામાં જ મુંબઈએ ખરીદીને હોશિયારી દેખાડી હતી. વળી તેણે ગયા વર્ષે મુંબઈ તરફથી શાનદાર પ્રદર્શન કર્યુ હતું. કૃણાલની પસંદગી એક સારો નિર્ણય પણ હતો, કારણ કે કિરોન પોલાર્ડ અને જશપ્રીત બુમરાહ જેવા ખેલાડીને ટીમ રાઈટ ટુ મેચ કાર્ડ હેઠળ પાછો મેળવી શકે છે.

દિલ્હી હજી કયા ત્રણ ખેલાડીઓને રીટેન કરવા એ વિશે નિર્ણય કરી શકી નથી, પરંતુ રીષભ પંત અને શ્રેયસ અય્યરને ચોક્કસ તેઓ જાળવી રાખશે. રાજસ્થાન રોયલ્સ પોતાની ફ્રેન્ચાઈઝી તરફથી બે વર્ષ રમનાર સ્ટીવન સ્મિથને જાળવી રાખશે. તો ચેન્નઈ સુપર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજાને રીટેન કરશે તો ડ્વેઈન બ્રાવો માટે રાઈટ ટુ મેચના કાર્ડનો ઉપયોગ કરશે. હૈદ્રાબાદની ટીમ ડેવિડ વોર્નર ઉપરાંત દીપક હુડાને જાળવી રાખશે. આમ દિપક હુડા પણ કૃણાલની જેમ એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો ન હોવાથી ૩ કરોડ રૂપિયામાં જ રીટેન કરવામાં આવશે.

(11:38 am IST)