Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

કાલથી ભારત- આફ્રિકા ટેસ્ટઃ ઈશાંત કે શમી કોણ લેશે બુમરાહનું સ્થાન

વિકેટકીપર તરીકે સહા કે પંત ?: બેટીંગ- બોલીંગમાં ભારતીય ટીમે સાવધ રહેવું પડશે : ટોચનું સ્થાન જાળવવા ટીમ ઈન્ડિયાએ સિરીઝ જીતવી જરૂરીઃ રોહીત શર્મા ઓપનિંગ કરશે

નવી દિલ્હીઃ ટેસ્ટ ચેમ્પિયનશિપના ભાગરૂપે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ આવતી કાલથી રમાવાની છે. બન્ને ટીમો વચ્ચેની ટીર૦ સિરીઝ ડ્રો રહ્યા બાદ ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. આ સિરીઝ શરૂ થતાં પહેલાં ભારતીય ક્રિકેટ ટીમતા કેપ્ટન અને કોચને એક પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે વૃદ્ઘિમાન સહા અને રિષભ પંતમાંથી કોને પસંદ કરવો? મહેન્દ્ર સિંહ ધોનીના વિકલ્પરૂપે રિષભ પંતને ટ્રેઇનિંગ અપાઈ રહી છે, પણ સાથે- સાથે બેટિંગમાં તેની પાસેથી નિરાશા જ સાંપડી છે. સહાના કેસમાં પણ કંઈક એવું છે. ફાસ્ટ બોલરો સામે તેનું પ્રદર્શન પણ ચિંતાનો વિષય છે. થોડા દિવસ અગાઉ ઇન્ડિયા 'એ' અને સાઉથ આફ્રિકા 'એ' વચ્ચેની મેચમાં સહાએ સારંુ પ્રદર્શન કર્યું હતું, જયારે પંતમાં પણ ગેમને બદલવાની રહેલી ક્ષમતાને નકારી શકાય એમ નથી.

રવિ શાસ્ત્રીએ પણ આ બન્ને પ્લેયરોની અલગ-અલગ વિશેષતાઓ જણાવી હતી, પણ કયો પ્લેયર કઈ ફોર્મેટ માટે યોગ્ય રહેશે એની સ્પષ્ટપણે જાણકારી નહોતી આપી. વિવિધ ચર્ચાઓ છતાં પંતનું પલડું સહા કરતાં ભારે હોવાની વકી છે. તેમ છતાં, આવતી કાલની પહેલી ટેસ્ટમાં ટીમ કયા પ્લેયર સાથે મેદાનમાં ઊતરશેએ જોવા જેવું રહેશે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સ્ટ્રેસ ફ્રેકચરને લીધે ટુર્નામેન્ટમાંથી બહાર થયો હોવાથી તેના સ્થાને ટીમ ઇન્ડિયાના બોલિંગ ડિપાર્ટમેન્ટને કોણ લીડ કરશે એ ચર્ચાનો વિષય બની ગયો છે. જોકે આ કેસમાં ઇશાન્ત શર્મા અને મોહમ્મદ શમીનું નામ મોખરે છે. ટીમ ઇન્ડિયાના કોચ અને કેપ્ટન ઇચ્છે છે કે બુમરાહ ઈજામાંથી સંપૂણપણે રિકવર થઈ જાય અને પોતાનું ફોર્મ જાળવી રાખે. અત્યાર સુધી બુમરાહ ૧૨ ટેસ્ટ મેચ રમ્યો છે. જેમાં તેણે ૬ર વિકેટ લીધી છે, પણ આ૧૨ મેચ વિદેશની ધરતી પર રમાઈ હતી અને ઘરઆંગણે ટેસ્ટ મેચ રમવા તેને રાહ જોવી પડી રહી છે. બેટ્સમેનમાં જે પ્રમાણે વૃદ્ઘિમાન સહા કે રિષભ પંતમાંથી કોને પસંદ કરવો એ પણ ટીમ મેનેજમેન્ટ માટે ચર્ચાનો વિષય છે એ પ્રમાણે બોલર્સમાંથી બુમરાહના સ્થાને ઇશાન્ત શર્મા કે મોહમ્મદ શમીમાંથી કોણ ટીમને બોલિંગમાં લીડ કરશે એ જોવા જેવું છે. જોકે આ બન્ને અનુભવી બોલરોમાંથી ઇશાન્ત પાસે વધારે અનુભવ હોવાનો ફાયદો મળી શકે છે, જયારે શમીના માથે પણ મોટા ભાગની જવાબદારી રહી શકે છે.

ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ

* બીજી ઓકટોબરથી વિશાખાટ્ટનમાં પ્રથમ ટેસ્ટ (પ્રસારણ સવારે ૯:૩૦)

* ૧૦મી ઓકટોબરથી પુણેમાં બીજી ટેસ્ટ મેચ (પ્રસારણ સવારે ૯:૩૦)

* ૧૯મી ઓકટોબરથી રાંચીમાં ત્રીજી ટેસ્ટ મેચ (પ્રસારણ સવારે ૯:૩૦)

વધુ એક રેકોર્ડથી વિરાટ માત્ર ૨૮૧ દૂર

વિશાખાપટ્ટનમ,તા. ૧: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતીકાલથી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી દરમિયાન પણ કેટલાક નવા રેકોર્ડ બની શકે છે. વિરાટ કોહલીની પાસે દક્ષિણ આફ્રિકાની સામે વધુ એક રેકોર્ડ કરવાની તક રહેલી છે. વિરાટ કોહલી હવે  ક્રિકેટમાં સૌથી ઝડપથી ૨૧ હજાર રન બનાવનાર ખેલાડી બનવાથી માત્ર ૨૮૧ રનના અંતરે સ્થિત છે. વિરાટ કોહલીના ખાતામાં ૨૦૭૧૯ રન રહેલા છે. વિરાટ કોહલીએ આફ્રિકાની સામે નવ ટેસ્ટ મેચોમાં ૪૭.૩૭ રનની સરેરાશ સાથે કુલ ૭૫૮ રન બનાવ્યા છે. જેમાં બે સદીનો સમાવેશ થાય છે. આવી સ્થિતીમાં આશા છે કે વિરાટ કોહલી વધુ એક રેકોર્ડ સર્જી લેવામાં સફળ રહેનાર છે. તેની પાસેથી ભવ્ય દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. અન્ય સ્ટાર ખેલાડીઓ પાસે પણ સારા દેખાવની અપેક્ષા છે. કોહલી હાલમાં સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. બીજી ઓક્ટોબરના દિવસથી પ્રથમ ટેસ્ટ શરૂ થનાર છે.

(3:42 pm IST)