Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ધોનીની ધીમી બેટિંગથી લોકો ગુસ્સે થયાઃ કહ્યુ- પર્ફોમ કરો કે નિવૃત્ત થાઓ

એક યૂઝરે એક મીમ પોસ્ટ કરીને લખ્યું કેઃ પાકિસ્તાનને હરાવવા માટે જાણી જોઈને હારી ગયા

નવી દિલ્હી, તા.૧: આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯માં ટીમ ઈન્ડિયાને પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ આપેલા ૩૩૮ રનોના લક્ષ્યને ન પહોંચી શકી. મેજબાન ઇંગ્લેન્ડની વિરુદ્ઘ રમતા ભારતે ૫૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૩૦૬ રન જ કર્યા.

એજબેસ્ટનના મેદાન પર ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં ૭ વિકેટ પર ૩૩૭ રન કર્યા. તેના જવાબમાં ભારતની ધીમી બેટિંગના કારણે મેચ હારી ગયું.

ધોનીએ ૩૧ બોલમાં ૪૨ રન કર્યા. ધોનીએ ક્રીઝ પર આવતાં જ અગાઉની મેચોની જેમ જ ધીમી શરૂઆત કરી. ધોનીની ધીમી ગતિ મેચના અંત સુધી ચાલુ રહી. ૪૨ રનની ઇનિંગમાં તેણે ૪ ફોર અને એક સિકસર મારી. બાકી મોટાભાગના રન તેણે એક-એક કરીને લીધા.

ધોનીની આ ઈનિંગને લઈને સોશિયલ મીડિયા પર તેના ફેન અને ટીકાકાર ખૂબ નારાજ જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર ધોનીની ધીમી સ્પીડના કારણે કેટલાક લોકોએ તેને નિવૃત્તી લેવાની સલાહ આપી દીધી. બીજી તરફ કેટલાક લોકોનું એવું પણ કહેવું હતું કે ધોનીએ ફિનિશરની જેમ મેચ ખતમ કરી અને પાકિસ્તાનના માર્ગમાં અડચણ ઊભી કરી.એક યૂઝરે લખ્યું કે હું કયારેય નહોતો ઈચ્છતો કે હું આવું કરીશ, ધોનીને પર્ફોમ કરવું પડશે કે પછી નિવૃત્ત થવું પડશે.

એક યૂઝરે લખ્યું કે ધોની એક ફિનિશર છે અને તેણે પાકિસ્તાનના વર્લ્ડ કપ જીતવાના સપનાને તોડી દીધું.

લોકોનું એમ પણ કહેવું છે કે ધોની સિકસર લગાવવા માટે છેલ્લી ઓવરની રાહ કેમ જોતો હતો.

એક યૂઝરે કહ્યું કે આજે ખરેખર ધોની ખૂબ ખરાબ રમ્યો. આ માનવું જ પડશે. કેટલાક યૂઝર ઈંગ્લેન્ડની વિરુદ્ઘ હારની જવાબદારી સમગ્રપણે ધોનીને પર નાખી રહ્યા છે.

(4:03 pm IST)