Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ટી-૨૦ લીગ બાદ ક્રિકેટમાં વધી ફિકસીંગની ઘટનાઓ : ICC

આઈસીસીના સીઈઓ ડેવિડ રિચર્ડસને કહ્યું કે અલ જઝીરા ચેનલે સ્ટિન્ગ - ઓપરેશન દ્વારા કરેલા સ્પોટ ફિકસીંગ અને પિચ ફિકસીંગના આરોપોની અવગણના કરવામાં નહિં આવે

સમગ્ર દુનિયામાં ઝડપથી વધતી જતી ટી-૨૦ લીગ ક્રિકેટમાં ફિકસીંગની મહત્વનું કારણ છે. આવી ક્રિકેટ લીગમાં ફિકસીંગની વધુ શકયતા છે. આ વાત આઈસીસીના સીઈઓ (ચીફ એકિઝકયુટીવ ઓફીસર) ડેવિડ રીચર્ડસને લંડનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કરી હતી. તેમણે કહ્યું હતુ જે લોકો મેચ ફિકસીંગ કરવા માગતા હોય એવા લોકોને આ લીગ વધારાની તક આપે છે. અમે એટલી વાત પાકી કરવા માગીએ છીએ કે ટીવી પર આવનારી ટી-૨૦ ડોમેસ્ટીક ટુર્નામેન્ટ પર નજર રાખવામાં આવશે. ક્રિકેટને ફિકસીંગથી દૂર રાખવા માટે અમારે ખેલાડીઓ અને ફ્રેન્ચાઈઝીના માલિકો પર નજર રાખવાની જરૂર છે. તાજેતરમાં અલ જઝીરા ચેનલની એક ડોકયુમેન્ટરીમાં ભારત - ઓસ્ટ્રેલિયા અને ભારત - ઈંગ્લેન્ડની ટેસ્ટ - મેચો દરમિયાન ફિકસીંગનો દાવો કરવામાં આવ્યો હતો. આઈસીસી હાલ ફિકસીંગ સાથે સંડોવાયેલા તમામ આરોપોના પુરાવાઓ ભેગા કરવા માગે છે. આઈસીસી ચેનલની ડોકયુમેન્ટરી સાથે સંકળાયેલા તમામ ફુટેજને પણ જોવા માગે છે. રિચર્ડસને કહ્યુ હતું કે અમે બહુ જલદી અલ જઝીરા ચેનલના અધિકારીઓને મળીને તપાસ શરૂ કરવા માગીએ છીએ. જો લીગમાં આ પ્રકારના ફિકસીંગ પર રોક લગાવવામાં ન આવી તો ભવિષ્યમાં એવી સ્થિતિ પણ આવી શકે છે કે આઈસીસી દ્વારા બનાવાયેલા એન્ટી કરપ્શન યુનિટની મદદ વગર રમાનારી નોન મેમ્બર સભ્યોની મેચના આયોજનને મંજૂરી જ નહિં આપવામાં આવે.

(4:41 pm IST)