Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ભારતીય હોકી ટીમની જાહેરાત

નવી દિલ્હી: આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ભારતીય હોકી ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. મનપ્રીત સિંઘની કેપ્ટન્સી હેઠળની ટીમમાં સિનિયર ખેલાડી રુપિન્દર પાલ સિંઘે પુનરાગમન કર્યું છે. જ્યારે અલઝન શાહ કપ હોકી ટુર્નામેન્ટમા અજમાવાયેલા યુવા ખેલાડીઓમાંથી એકમાત્ર જાસ્કરન સિંઘ જ ટીમમાં સ્થાન મેળવી શક્યો છે.ભારત ૧૦મી મે થી ઓસ્ટ્રેલિયા પ્રવાસનો પ્રારંભ કરશે. ભારત ત્યાં ચાર હોકી મેચો રમશે, જેમાં બે મેચો ઓસ્ટ્રેલિયાની સિનિયર ટીમ સામેની છે. જ્યારે એક મેચ ઓસ્ટ્રેલિયા-એ સામેની છે અને અન્ય એક મેચ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામેની છે. ભારતીય હોકી ટીમમાં સુરેન્દર કુમારને વાઈસ કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. ઓડીશામાં આવતા વર્ષે હોકી સિરિઝ ફાઈનલ્સ ટુર્નામેન્ટ રમાવા જઈ રહી છે અને તેની તૈયારી માટે ભારતીય હોકી ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થશે. ભારતીય ટીમના નવા ચીફ કોચ ગ્રેહામ રીડની આ પ્રવાસમાં સૌપ્રથમ કસોટી થશે. મલેશિયાના ઇપોહમાં રમાયેલી સુલતાન અઝલન શાહ કપ હોકી ટુર્નામેન્ટમાં ભારતે સિલ્વર મેડલ જીત્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતે મોટાભાગના સિનિયર ખેલાડીઓને ઊતાર્યા હતા. જોકે તેમાંથી એકમાત્ર જાસ્કરન જ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટીમમાં સ્થાન મેળવી શક્યો છે. ભારતીય હોકી ટીમ ઃ ગોલકિપર તરીકે શ્રીજેશ અને કિશન પાઠક, ડિફેન્ડર તરીકે રુપિન્દર પાલ, સુરેન્દર કુમાર, હરમનપ્રીત, બિરેન્દ્ર લાકરા, ગુરિન્દર સિંઘ અને કોઠાજીત સિંઘ, મીડફિલ્ડર તરીકે હાર્દિક સિંઘ, મનપ્રીત સિંઘ (કેપ્ટન), જાસ્કરન સિંઘ, વિવેક સાગર, નિલકાંત શર્મા, ફોરવર્ડ તરીકે મનદીપ સિંઘ, ગુરસાહિબજીત સિંઘ, આકાશદીપ, સુમિત કુમાર જુનિયર, અરમાન કુરેશી. 

(5:19 pm IST)