Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ડે -નાઈટ ટેસ્ટ મેચ સામે બીસીસીઆઇનો અણગમો

નવી દિલ્હી: વિશ્વનું સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇ પરિવર્તન સ્વિકારવા ખાસ તૈયાર નથી તેમ જણાય છે. ડીઆરએસ બાદ હવે ડે-નાઇટ ટેસ્ટ પ્રત્યે અણગમો તેનું તાજેતરનું ઉદાહરણ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેનું આગામી સિઝન માટે સમર શેડયૂલ જારી કર્યું છે. જેમાં ભારત સામે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા ૨૧ નવેમ્બરથી ૩ ટ્વેન્ટી, ૪ ટેસ્ટ, ૩ વન-ડેમાં રમશે. ૬ ડિસેમ્બરે એડિલેડ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા ડે નાઇટ ટેસ્ટમાં ટકરાય તેવો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો આગ્રહ છે. પરંતુ બીસીસીઆઇ ડે-નાઇટ ટેસ્ટમાં રમવા માટે ધરાર ઇનકાર કરી રહ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી જેમ્સ સધરલેન્ડે જણાવ્યું હતું કે, 'એડિલેડમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ડે-નાઇટ ટેસ્ટનું અમારું આયોજન છે. અમે તેના માટે પ્રયાસો પણ કરી રહ્યા છીએ. હવે આગામી દિવસોમાં તેનો આખરી નિર્ણય લેવામાં આવશે. ' ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું માનવું છે કે ડે-નાઇટ ટેસ્ટ જ હવે ટેસ્ટ ક્રિકેટનું ભાવિ છે. આ ફોર્મેટથી જ ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા બરકરાર રાખી શકાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ૨૪-૨૮ જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન શ્રીલંકા સામે બ્રિસ્બેન ખાતે પણ ડે-નાઇટ ટેસ્ટ ફાળવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ ડે-નાઇટ ટેસ્ટ ફાળવવા પૂરા પ્રયાસો કરી રહ્યું છે. દક્ષિણ આફ્રિકા સામે ૪ નવેમ્બરે વન-ડે શ્રેણી સાથે જ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયન સમર સિઝનનો પ્રારંભ થશે. જેમાં તે ભારત, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા સામે કુલ ૬ વન-ડે, ૬ ટેસ્ટ અને ૪ ટ્વેન્ટી૨૦માં રમશે. 

 

 

(4:02 pm IST)