Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

બાર્સેલોનાએ લા લીગનું ટાઇટલ 25મી વખત જીત્યું

નવી દિલ્હી: સુપર સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીની હેટ્રિકની સહાયથી ડેપોર્ટિવો લા કોરુનાને ૪-૨થી હરાવી બાર્સેલોનાએ લા લીગાનું ટાઇટલ નિશ્ચિત કર્યું છે. લા લીગામાં હજુ ચાર મેચ બાકી છે પરંતુ બાર્સેલોનાએ તેના અગાઉ જ આ ટાઇટલ પોતાને નામે કર્યું છે. બાર્સેલોના ૨૫મી વખત લા લીગમાં ચેમ્પિયન બન્યું છે. રવિવારની મેચ સાથે બાર્સેલોનાના ૩૪ મેચમાં ૨૬ વિજય-૮ ડ્રો સાથે ૬૬ પોઇન્ટ છે. લા લીગાની ૨૦૧૭-૧૮ની સિઝનમાં બાર્સેલોનાનો એકપણ મેચમાં પરાજય થયો નથી. એટ્લેટિકો મેડ્રિડ બીજા સ્થાને છે અને તેના ૩૫ મેચમાં ૨૨ વિજય સાથે ૭૫ પોઇન્ટ છે. યુઇએફએ ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઇનલમાં રોમા સામેના પરાજયને બાદ કરતા બાર્સેલોનાએ ૨૦૧૭-૧૮ની સિઝનમાં સારો દેખાવ કર્યો છે. લા લીગામાં બાર્સેલોના ૪૧ મેચથી અપરાજીત છે અને ૧૦ સિઝનમાં તેનું આ ૭મું ટાઇટલ છે. આન્દ્રે ઇનિએસ્તા કારકિર્દીમાં ૯મી વખત લા લીગામાં બાર્સેલોનાની ચેમ્પિયન ટીમનો સદસ્ય બન્યો છે. અગાઉ બાર્સેલોના ૨૦૦૪-૦૫, ૨૦૦૫-૦૬, ૨૦૦૮-૦૯, ૨૦૦૯-૧૦, ૨૦૧૦-૧૧, ૨૦૧૨-૧૩, ૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬, ૨૦૧૭-૧૮માં લા લીગામાં ચેમ્પિયન બન્યું ત્યારે તેમાં પણ ઇનિએસ્તા ટીમનો સદસ્ય હતો.

 

 

(4:02 pm IST)