Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

એડીલેડમાં ભારત સામે ડે-નાઈટ ટેસ્ટ - મેચ રમવી છે ઓસ્ટ્રેલિયાને

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ વર્ષના અંતમાં યોજાનારા ભારતના પ્રવાસ સમયે એડીલેડમાં ૬ થી ૧૦ ડિસેમ્બર વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટ મેચ ડે-નાઈટ રમાય એ માટે પ્રયાસ કરે છે અને આ માટે તેણે ભારતીય ક્રિકેટ બોર્ડનો સંપર્ક કર્યો છે.

આ સંદર્ભે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય અધિકારી જેમ્સ સધરલેન્ડે કહ્યુ હતું કે અમારી પ્રાથમિકતા છે કે એડીલેડ ટેસ્ટ મેચ ડે-નાઈટ યોજાય અને આ માટે અમે ભારતીય ક્રિકેટ બોર્ડનો સંપર્ક કર્યો છે. આગામી થોડા વીકમાં આ માટે અમને જવાબ મળી જશે.

ભારત કયારેય ડે-નાઈટ ટેસ્ટ મેચ રમ્યુ નથી. આ વર્ષના અંતમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં તે ડે-નાઈટ મેચ રમે એવી શકયતા છે. એડીલેડમાં છેલ્લા ૩ વર્ષમાં ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ સામે ડે-નાઈટ ટેસ્ટ મેચો રમ્યુ છે.

ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનારી ભારતીય ટીમ શરૂઆતમાં ૨૧થી ૨૫ નવેમ્બર વચ્ચે ૩ ટી-૨૦ મેચો રમશે. ત્યારબાદ ૬ થી ૧૦ ડિસેમ્બર વચ્ચે એડીલેડમાં પહેલી, ૧૪મી ૧૮ ડિસેમ્બર વચ્ચે પર્થમાં બીજી, ૨૬ થી ૩૦ ડિસેમ્બર વચ્ચે મેલબર્નમાં ત્રીજી અને ૩થી ૭ જાન્યુઆરી વચ્ચે સીડનીમાં ચોથી ટેસ્ટ મેચ રમશે. ૧૨ થી ૧૮ જાન્યુઆરી વચ્ચે ૩  વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમાશે.

(3:59 pm IST)