Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ડિવીલિયર્સ ચેન્નાઈમાં ટીમ રોયલ ચેલેન્જર્સ સાથે જોડાયો

ઈંગ્લેન્ડ સામેની શ્રેણી બાદ આઈપીએલનો ધમધમાટ : એબી ડિવિલિયર્સ ચેન્નઇમાં આરસીબીના બાયો-બબલમાં સામેલ થઇ ગયો, વિરાટ કોહલી સાત દિવસ ક્વોરેન્ટાઈન

નવી દિલ્હી, તા. ૧ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુરુવારે માહિતી આપી કે, સ્ટાર બેસ્ટમેન એબી ડિવિલિયર્સ આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ પહેલાં ચેન્નઇમાં પોતાની ટીમના બાયો-બબલમાં જોડાઇ ગયો છે. આરસીબીએ ટ્વિટર પર ડિવિલિયર્સની એક તસવીર પોસ્ટ કરતાં લખ્યું કે, બ્રેકિંગ ધ ઈન્ટરનેટ. સ્પેસશિપ ઉતરી ગયું છે. એબી ડિવિલિયર્સ ચેન્નઇમાં આરસીબીના બાયો-બબલમાં સામેલ થઇ ગયો છે.

ઉપરાંત ઇંગ્લેન્ડ વિરુદ્ધની સીરિઝમાં શાનદાન પ્રદર્શન કરનાર કેપ્ટન વિરાટ કોહલી પણ આઇપીએલ ૨૦૨૧ માટે ચેન્નઇ પહોંચી ગયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે તેના ટ્વિટર હેન્ડલ પર કેપ્ટન કોહલીની તસવીર શેર કરી આ અંગે જાણકારી આપી છે. વિરાટ કોહલી ઇંગ્લેન્ડ વિરુદ્ધ બનાવવામાં આવેલા બાયો-બબલને તોડીને પોતાના ઘરે ગયો હતો. જે બાદ હવે ચેન્નઇ પહોંચતાં તેને સાત દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે. બીસીસીઆઇએ એસઓપીમાં ભારત અને ઇંગ્લેન્ડના તે ખેલાડીઓને ક્વોરન્ટાઇનમાંથી છૂટ આપી હતી, જેમણે વનડે સીરિઝના બાયો બબલમાંથી સીધા તેમની આઇપીએલની ટીમના બાયો બબલમાં પ્રવેશ કર્યો હતો.

આઇપીએલ ૨૦૨૧ માટે બનાવવામાં આવેલ બીસીસીઆઇની એસઓપી પ્રમાણે, તમામ ખેલાડીઓ, સહાયક સ્ટાફ અને મેનેજમેન્ટને બાયો-બબલમાં પ્રવેશ કરવા માટે પોતાની હોટલના રૂમમાં સાત દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે. આ દરમિયાન ઘણી વખત તેમની તપાસ કરવામાં આવશે. નેગેટિવ આવતાં તેમને રૂમમાંથી બહાર નીકળવા અને અભ્યાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.

(7:26 pm IST)