Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

બાંગ્લાદેશ સામે ટી૨૦માં એલેનની માત્ર ૧૮ બોલમાં અડધી સદી

આઈપીએલ પૂર્વે રોયલ ચેલેન્જર્સ માટે સારા સમાચાર : કિવીનો ફિન એલેન ૨૯ બોલમાં ૭૧ રનની તોફાની ઈનિંગ્સ રમીને તસ્કીન અહમદની ઓવરમાં આઉટ થયો

ઓકલેન્ડ, તા. ૧ : ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સિઝન શરૂ થાય તે પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે સારા સમાચાર છે. તેનો બેસ્ટમેન ફિન એલેન શાનદાર ફોર્મમાં છે. તેણે બેંગ્લાદેશ વિરુદ્ધ ટી૨૦ સીરિઝની ત્રીજી મેચમાં તોફાની પારી રમી છે. ફિને માત્ર ૧૮ બોલમાં જ અડધી સદી ફટકારી હતી. તે ૨૯ બોલમાં ૭૧ રનની તોફાની પારી રમી તસ્કીન અહમદની ઓવરમાં આઉટ થયો હતો. આ પારીમાં તેણે ૧૦ ફોર અને ૩ સિક્સ મારી હતી.

એલેન આ વખતે આઇપીએલમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમશે. આઇપીએલ પહેલાં ૨૧ વર્ષીય ફિને બાંગ્લાદેશ વિરુદ્ધ ટી૨૦ સીરિઝમાં સારુ પ્રદર્શન કર્યું છે. તેણે સીરિઝની બીજી મેચમાં ૧૦ બોલમાં ૧૭ રન કર્યા હતા. જેમાં બે ફોર અને એક સિક્સ સામેલ છે.

ઓકલેન્ડમાં ન્યૂઝિલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે વરસાદને કારણે ત્રીજી ટી૨૦ ૧૦-૧૦ ઓવરની કરાઇ હતી. બાંગ્લાદેશે ગુરુવારે ટોપ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચ સ્થાનિક સમય અનુસાર સાંજે સાત વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ વરસાદને કારણે રાત્રે નવ વાગ્યે ટોસ થઇ શક્યો હતો.

દસ ઓવરની મેચમાં માત્ર ત્રણ ઓવરનું પાવરપ્લે રાખવામાં આવ્યું હતું અને એક બોલર બે ઓવર જ નાંખી શક્યો હતો. ફિનના ૭૧ રનની મદદથી ન્યૂઝિલેન્ડ ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૪૧ રન કરી શક્યું હતું. ફિન અને માર્ટિન ગપ્ટિલ વચ્ચે પ્રથમ વિકેટ માટે ૫.૪ ઓવરમાં ૮૫ રનની ભાગીદારી થઇ હતી. ન્યૂઝિલન્ડ પહેલાંથી જ સીરિઝમાં ૨-૦થી આગળ છે.

ઉલ્લેખનીય છે કે, ન્યૂઝિલેન્ડનો વિકેટકીપર બેસ્ટમેન ફિન એલેન આઇપીએલ ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. જો કે, બાદમાં આરસીબીએ ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેસ્ટમેન જોશ ફિલિપના સ્થાને તેને ટીમમાં સામેલ કર્યો હતો. ફિલિપ અંગત કારણોસર આઇપીએલમાં ભાગ લઇ શકશે નહીં.

(7:26 pm IST)