Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ખેલાડીના પરિવારે ટીમ સાથે રહેવું હોય તો ફરજીયાત બાયોબબલના નિયમોનું પાલન કરવું પડશે

દરેક IPLની ટીમો ઉપર ૪ ઓફિસરોની ચાંપતી નજર રહેશે : જો કોઈ ખેલાડી કે સપોર્ટ સ્ટાફ બાયોબબલનો નિયમ તોડશે તો આકરામાં આકરા પગલા લેવાશે

મુંબઈઃ આઈપીએલની ૧૪મી સીઝનની શરૂઆતને હવે ગણતરીના દિવસો બાકી છે, એવામાં તમામ ફ્રેન્ચાઈઝી ટીમોએ પોતાની પ્રેકિટસ શરૂ કરી દીધી છે. આઈપીએલ સીઝન ૧૩નું યુએઈમાં સફળ આયોજન કરાયા બાદ તમામ ગાઈડલાઈન્સ સાથે ક્રિકેટ બોર્ડ અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ ભારતમાં મોટાપાયે આ સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યું છે.

એક તરફ જયાં ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરે માઝા મૂકી છે. ત્યાં બીજીબાજુ બીસીસીઆઈ અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે ફ્રેન્ચાઈઝી માલિકે અને ટીમોને સાવધાન રહેવા જણાવ્યું છે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે હવે દરેક ટીમ સાથે ચાર- ચાર બાયોબબલ ઓફિસરની નિમૂણક પણ કરી છે જે ટીમના દરેક સભ્ય પર બાજનજર રાખશે.

૯ એપ્રિલથી આઈપીએલ સીઝન ૧૪નો શુભારંભ થવાનો હોવાથી આ વખતે દરેક ટીમ પોતાના શહેરમાં નહીં, પરંતુ ન્યુટ્રલ વેન્યુ પર રમશે. એવામાં ટીમના તમામ ભારતીય અને વિદેશી ખેલાડીઓનું આગમન થઈ ચૂકયું છે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં અમુક કડક નિયમો બનાવ્યા છે. આ વખતે દરેક ટીમની સાથે ચાર બાયોબબલ ઓફિસરની નિમૂણક કરવામાં આવી છે. આ ઓફિસરોનું કામ ટીમના દરેક મેમ્બર પર બાજનજર રાખવાનું છે. જો કોઈ ખેલાડી કે સપોર્ટ સ્ટાફ આઈપીએલના મેડિકલ કાયદાનું ઉલ્લંઘન કરશે તો આ ઓફિસરો તેની સામે સખત પગલાં લઈ શકે છે.

આઈપીએલની તમામ આઠ ટીમ સાથે કુલ ૩૨ બાયો બબલ ઓફિસર તહેનાત કરવામાં આવ્યા છે જે ટીમની તમામ જાણકારી બીસીસીઆઈના ચીફ મેડિકલ ઓફિસરને આપશે. કોરોના સંકટના સમયમાં તમામ વિદેશી ટીમના ખેલાડી સાથે બીસીસીઆઈ પહેલીવાર આટલા મોટાપાયે ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ સ્પર્ધા નિર્વિવાદ રીતે સંપન્ન થાય એ વિશે બીસીસીઆઈ તમામ તકેદારી રાખવા કટીબદ્ધ બન્યું છે.

આઈપીએલમાં રમતા તમામ ખેલાડીઓનો પરિવાર જો પ્લેયર સાથે રહેવા માંગતો હોય તો તેમની માટે પણ નિયમ કડક બનાવવામાં આવ્યા છે. જે  ખેલાડીના પરિવારે ટીમ સાથે રહેવું હોય તેમણે અગાઉથી ફ્રેન્ચાઈઝી અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મંજૂરી લેવી અનિવાર્ય બની રહેશે. દરેક ફેમિલી મેમ્બરે સાત દિવસનો કવોરન્ટીન પિરિયડ ફરજિયાત પાળવાનો રહેશે. ત્યારબાદ જ તેઓ પોતાના ફેમિલી મેમ્બર સાથે રહી શકશે.

(4:01 pm IST)