Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

૮ વર્ષ બાદ ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઍસ શ્રીસંતનો સૈયદ મુસ્તાક અલી ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કેરળની ટીમમાં સમાવેશ

મુંબઇ: ભારતના પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંતને 10 જાન્યુઆરીથી શરૂ થતી સૈયદ મુશ્તાક અલી ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કેરળની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મેચ ફિક્સિંગના આરોપમાં સાત વર્ષના પ્રતિબંધ બાદ શ્રીસંતની આ પ્રથમ ટૂર્નામેન્ટ હશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)IPLમાં સ્પોટ ફિક્સિંગમાં ભાગીદારીને કારણે શ્રીસંત પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે, IPL 2021માં શ્રીસંત રમતો જોવા મળી શકે છે. આ વાત તેણે ખુદ જણાવી છે. શ્રીસંતે કહ્યુ કે કેટલીક IPL ફ્રેન્ચાઇઝીએ મારી સાથે વાત કરી છે, તેમણે મને ફિટ રહેવા અને સિલેક્શન માટે ઉપલબ્ધ રહેવા કહ્યુ છે. શ્રીસંતે અંતિમ વખત IPL 2013માં રાજસ્થાન રોયલ્સ માટે મેચ રમી હતી.

શ્રીસંતે શરૂ કરી પ્રેક્ટિસ

37 વર્ષીય ફાસ્ટ બોલર શ્રીસંત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કેરળ માટે પેસ એટેકની આગેવાની કરશે. આ મહિને શરૂ થતી ઘરેલુ ટી-20 ટૂર્નામેન્ટ પહેલા તાજેતરમાં જ વોર્મ અપ મેચમાં તેને ભાગ લીધો હતો. તે પહેલાની જેમ આક્રમક જોવા મળી રહ્યો છે.

બે વખત વર્લ્ડકપ જીતનારી ટીમનો ભાગ રહ્યો

શ્રીસંતે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બેન થયા પહેલા 27 ટેસ્ટમાં 87 વિકેટ ઝડપી છે. તે 2011 વર્લ્ડકપ વિજેતા ટીમનો સભ્ય રહ્યો છે. શ્રીસંતે 53 વન ડે મેચમાં 75 વિકેટ ઝડપી છે. તે 2007માં ટી-20 વર્લ્ડકપ જીતનારી ટીમનો ભાગ પણ હતો.

કેરળ ટીમ: સંજુ સેમસન (કેપ્ટન), સચિન બેબી (વાઇસ કેપ્ટન), જલજ સક્સેના, રોબિન ઉથપ્પા, વિષ્ણુ વિનોદ, સલમાન નિજાર, બાસિલ થમ્પી, એસ. શ્રીસંત, નિધીશ એમડી, આસિફ કેએમ, અક્ષય ચંદ્રન, મિથુન પીકે, અભિષેક મોહન એસએલ, વિનૂપ એસ મનોહરન, મોહમ્મદ અઝહરૂદ્દીન એમ, રોહન એસ કુન્નૂમ્મલ, મિથુન એસ, વત્સલ ગોવિંદ શર્મા, રોજિથ કેજી, શ્રીરૂપ એમપી.

(5:05 pm IST)