Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

અમરેલીમાં સરધારના ભંગડા ગામના જયવીર વાળાએ હવામાં ફાયરીંગ કરતા ખળભળાટ

પોલીસે દબોચી લીધો : કારણ અંગે તપાસનો ધમધમાટ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૩૧ : અમરેલીમાં ચારેય તરફ આવેલ પોલીસ કચેરીઓ વચ્ચે ફોરવર્ડ સર્કલના સેન્ટર પોઇન્ટે બોલેરો કારમાં આવેલા સરધારના ભંગડા ગામના શખ્સે પોતાની લાયસન્સવાળી વેબલી રિવોલ્વરમાંથી હવામાં ફાયરીંગ કરતા ખળભળટ મચી ગયો હતો અને પોલીસે નાકાબંધી ગણી ગણતરીની મીનીટોમાં તેને દબોચી લીધેલ.

આ અંગેની વિગત એવા પ્રકારની છે કે અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્તરાયએ જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધારાવતા શખ્સોને તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ. શ્રી એમ.એ. મોરી તથા એસ.ઓ.જી. ટીમ એસ.ઓ.જી. કચેરીએ હાજર હતાં તે દરમિયાન અમરેલી શહેરમાં આવેલ ચિતલ રોડ ઉપર 'સેન્ટર પોઇન્ટ' તરીકે ઓળખાતા સર્કની પાસે રોડ ઉપર એક ઇસમ પોતાની કાળા કાચ વાળી બોલેરો ગાડી લઇ આવી ગાડીમાંથી ઉતરી તેની પાસે રહેલ રીવોલ્વર જેવા હથિયાર વડે હવામાં ફાયરીંગ કરેલ. આથી એસ.ઓ.જી.એ સીસીટીવીના કમાન્ડ કંટ્રોલ ખાતે પહોંચી સેન્ટર પોઇન્ટે આવેલ સીસીટીવી કેમેરાના ફુટેઝ જોયા હતાં.

હવામાં ફાયરીંગ કરનાર શખ્સ અમરેલી-બાબરા રોડ તરફ જતા જોવામાં આવતા તુરંત પોલીસ અધિક્ષકશ્રી દ્વારા અમરેલી એસ.ઓ.જી., એલ.સી.બી. તથા પેરોલફર્લો સ્કવોડની અલગ અલગ ટીમો બનાવી તેને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ હતા તે દરમિયાન આ બોલેરો ચાલકનો પીછો કરી તેમજ ચિતલ-બાબરા પાસે બેરીકેટીંગ તથા કોર્ડન કરાવેલ અને ચિતલ-બાબરાની વચ્ચે આ શખ્સને રીવોલ્વર હથિયાર સાથે ગણતરીની મીનીટોમાં ઝડપી પાડવામાં આવેલ. જેમાં તેનુ નામ જયવિરભાઈ બહાદુરભાઈ વાળા (ઉ.વ. ૪૩) ધંધો ખેતી, રહેવાસી ગામ ભંગડા (સરધાર), તા. જી. રાજકોટ હોવાનું ખુલેલ અને તેણે ફાયરીંગ શા માટે કર્યુ તેની કોઈ સ્પષ્ટતા થયેલ ન હતી પણ પોલીસે તેના કબ્જામાંથી એક લોખંડની શોર્ટ રીવોલ્વર (અગ્નિશાસ્ત્ર) કિં. રૂ. ૨,૭૫,૦૦૦ તથા જીવતા કાર્ટીસ નંગ ૨, કિં. રૂ. ૧૪૦ તથા એક હવામાં કરેલ ફાયરીંગનું ખાલી કેચીસ જેની કિં. રૂ. ૦૦-૦૦ તથા મહીન્દ્રા કંપનીની બોલેરો ફોરવ્હીલ રજી. નંબર જીજે ૦૩ આઈબી ૪૫૪૫ કિં. રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ કિં. રૂ. ૭,૭૫,૧૪૦ના મુદામાલ કબ્જે કર્યો હતો અને તેની સામે આર્મ્સ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવીને સીટી પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવેલ છે.

(12:51 pm IST)