Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા વાહનોને ખાલસા કરાયા : ૧૫,૬૫,૬૦૮નો દંડ

ધ્રાંગધ્રાના જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા ઇસમો વિરૂધ્ધ ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ અન્વયે ગુનો દાખલ

વઢવાણ તા. ૩૧ : સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા જુદા-જુદા વન ગુન્હા અન્વયે જંગલ વિસ્તારમાંથી ચરીયાણ, માટી ચોરી, રેતી ચોરી કે ગેરકાયદેસર ખનન પ્રવૃત્ત્િ।ઓ અટકાવવા માટે વનકર્મચારીઓ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવે છે, તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પેટ્રોલીંગનું મોનીટરીંગ પણ કરવામાં આવે છે, અને કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર સામે કાયદેસરના પગલાઓ લેવામાં આવે છે. સુરેન્દ્રનગર વન વિભાગના કર્મચારીઓ દ્વારા ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

વન વિભાગ દ્વારા ધ્રાંગધ્રા જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા ઇસમો વિરૂધ્ધ ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ અન્વયે કાર્યવાહી કરી જેસીબી નંબર GJ-13-EE-0406 તથા ટ્રેકટર નંબર GJ-13-AB-6113ને નાયબ વન સંરક્ષક દ્વારા ખાલસા કરવામાં આવેલ છે, જેની અંદાજીત કિંમત રૂપિયા ૧૩ લાખ જેવી થાય છે. ઉપરાંત આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વન વિભાગે વિવિધ ગુન્હાઓની કાયદેસરની કાર્યવાહી થકી છેલ્લા ૧ વર્ષમાં રૂપિયા ૧૫,૬૫,૬૦૮ જેટલી રકમ દંડ પેટે વસુલાત કરેલ છે. તેમ સુરેન્દ્રનગર નાયબ વન સંરક્ષક એચ.વી.મકવાણાની યાદીમાં જણાવાયુ છે.

(11:12 am IST)