Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

પતિએ ભત્રીજાને પ્રવાસમાં જવાના પૈસા આપતાં ઝઘડોઃ જુનાગઢમાં પ્રવિણાનો ઝેર પી આપઘાત

ગરોળા બ્રાહ્મણ પરિણીતાએ રાજકોટમાં દમ તોડ્યોઃ ૧૧ માસનો પુત્ર મા વિહોણો

રાજકોટ તા. ૩૧: જુનાગઢમાં ભવનાથ તળેટી વિસ્તારમાં રહેતી ગરોળા બ્રાહ્મણ પરિણીતા પ્રવિણા મનોજ ધમ્મર (ઉ.૨૫)ને પતિ સાથે ભત્રીજાને પ્રવાસના પૈસા આપવા બાબતે ચડભડ થતાં માઠુ લાગી જતાં ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ ભવનાથમાં રહેતી પ્રવિણાએ રાત્રે સાડા દસેક વાગ્યે ઝેર પી લેતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ વહેલી સવારે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે જુનાગઢ પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર પ્રવિણાના માવતર કોડીનાર રહે છે. તેણીના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં અગિયાર માસનો પુત્ર છે. પતિ મનોજ છુટક મજૂરી કરે છે. તેના કહેવા મુજબ તેના ૧૩ વર્ષના ભત્રીજા મીત કમલેશભાઇને પ્રવાસમાં જવું હોઇ મોટા ભાઇની પાસે હાલમાં પૈસા ન હોઇ જેથી પ્રવાસની ફી પોતે ભરી આપી હતી. આ બાબતે પત્નિ પ્રવિણાએ વાંધો ઉઠાવતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ કારણે તેણીને માઠુ લાગી જતાં ઝેર પી લીધું હતું. જુનાગઢ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

(12:30 pm IST)