Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

પોરબંદર જિલ્લામાં બેરોકટોક ભ્રષ્ટાચારની ન્યાય પૂર્ણ તપાસ કરીને કસૂરવાનો સામે પગલા લેવા કોંગ્રેસની માગણી

પોરબંદર તા.૩૧: પોરબંદર જિલ્લામાં વિવિધ વિભાગો અને યોજનાઓમાં ચાલતા બેરોકટોક અને બેફામ ભ્રષ્ટાચાર પર લગામ લગાવવા અને તટસ્થ અને ન્યાયપૂર્ણ તપાસ કરીને કસુરવાનો સામે યોગ્ય કાર્યવાહી કરવા અંગે જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને કલેકટર હસ્તક આવેદન મોકલીને જણાવ્યું છે

રજુઆતમાં જણાવેલ કે આપે જાહેર મંચ પરથી તાજેતરમાં સ્વિકાર કર્યો છે કે મહેસુલ વિભાગ અને પોલીસ વિભાગમાં બેફામ અને બેલગામ ભ્રષ્ટ્રાચાર થઇ રહ્યો છે. માત્ર બે જ વિભાગનો ઉલ્લેખ કર્યો પરંતુ પોરબંદરમાં મોટાભાગના વિભાગો ઉઘાડી લૂંટના અડડા બની ગયા છે જેની તટસ્થ તપાસ થાય અને કસુરવારો સામે પગલા ભરવામાં આવે તે જરૂરી છે

પોરબંદર નગરપાલિકામાં વિકાસના કામોની ટેન્ડર વેલ્યુના ૭૦ ટકા રૂપિયાઓ કોન્ટ્રાકટરો, નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ નગરપાલિકાનું કામ ગુણવત્તાયુકત થાય તે માટે નિમાયેલ એજન્સી વચ્ચે વહેચાય જાય છે તેમ રજુઆતમાં દર્શાવેલ છે નગરપાલિકાએ ગરીબ આવાસ યોજના (કુલ ૨૪૪૦ મકાનો)ના સુપરવીઝનની જવાબદારી કન્સ્લ્ટન્ટને સોંપી હતી અને આ કામના વર્ક ઓર્ડર અપાયા પછી આજ કન્સલ્ટન્ટે બિલ્ડીંગ સ્ટોનની આઇટમ બદલી નાખીને ખરાબ કોલસામાંથી બનતી ફલાયએશ બ્લોક વાપરવાનો અભિપ્રાય આપ્યો અને ખંઢર હાલતમાં છે કાઇ જરૂરીયાતમદ કે ગરીબ પરીવાર આવાસ વોજનામાં રહેવા જતા તૈયાર નથી. તેમ કોંગ્રેસ આગેવાનોએ રજુઆતમાં જણાવેલ છે.

પોરબંદર નગરપાલિકા અને છાંયા નગરપાલિકાની ટાઉન પ્લાનીંગ કમીટીએ બાંધકામોની મંજુરીઓ આપવા માટે ઉઘરાણાં કરવાનો પીળો પરવાનો લઇ લીધો હોય તેમ બહુમાળી બિલ્ડીંગો અને કોમર્શિયલ બિલ્ડીગો જે નિયમાનુસાર ન હોવા છતાં ચીફ ટાઉન પ્લાનર કે નગરપાલિકાના સીટી ઇજનેર કે ચીફ ઓફિસરના અભિપ્રાયોને ગણકાર્યો વગર મોટી રકમની લઇને આડેધડ મંજુરીઓ આપી દઇને કરોડો રૂપિયાનો ભષ્ટ્રાચાર આચર્યો છે. પોરબંદરની છાંયા નગરપાલિકાની મીટીંગ પુર્ણ થયા બાદ ટાઉન પ્લાનીંગ કમીટીની મીનીટસ બુક નગરપાલિકા હસ્તક રાખવાને બદલે પોતાના ઘરે ૪ મહિના સુધી અનઅધિકૃત રીતે રાખીને મીનીટ બુકમાં ૧૭૩ જેટલા બાંધકામોની પરવાનગીઓનું પ્રોસીડીગ અનઅધિકૃત રીતે લખીની કરોડો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર કર્યો છે તેમ રજુઆતમાં જણાવેલ છે.

પોરબંદર શહેરમાં સીસી રોડ અને ડામર રોડ કામની ગુણવતા નબળી તેમજ પેવર બ્લોકના કામોમાં ભ્રષ્ટ્રાચાર તેમજ તળાવો ઉંડા કરવાની કામગીરીમાં માટી મોરચા ખેડુતોને વેચી કૌભાંડ કરવામાં આવ્યાનું રજુઆતમાં જણાવેલ છે.

રજુઆતમાં ખાલી ખનીજ ખોદકામમાં ગેરરીતિ, અને ડિપોઝીટ ન હોવા છતાં લીઝ રીન્યુ કરવામાં આવી હોય તપાસ કરવા રજુઆતમાં જણાવેલ છે.

પોરબંદર શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે રેઇન વોટર ડ્રેનેજનું કામ મંજુર કરવામાં આવેલ, આ કામ અન્વયે પોરબંદરના મુખ્ય માર્ગો પર ગટર બનાવવાનું કામ ચાલી રહ્યું છે તે કામમાં નિયમો અને માર્ગદર્શિકાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે, કામની ગુણવત્તા પણ નબળી છે, ગટર બનાવવાના કામમાં વપરાતું મટીંરીયલ પણ ગુણવત્તાવિહોણું હોય છેલ્લા ૧ વર્ષથી આ ગટરનું કામ હાલમાં અટકેલું હોય અને આ ગટર અકસ્માતો સર્જે તે રીતે ખુલ્લી પડેલી છે, આ કામની તપાસ કરાવવા અને કસુરવાનો સામે પગલાં ભરવા માંગણી રજુઆતમાં કરી છે.

પોરબંદર શહેર અને છાંયાની પીવાનું પાણી પુરી પાડતી યોજનાનો ફિલ્ટર પ્લાન્ટ રાણાવાવ નજીક જાવંત્રીગાળા નજીક આવેલ છે. આ ફિલ્ટર પ્લાન્ટના મેઇન્ટેનન્સનો કોન્ટ્રાકટ ખાનગી એજન્સીને આપવામાં આવેલ છે પરંતુ વગદાર લોકોએ આ કોન્ટ્રાકટ લીધેલ હોય, ફિલ્ટર પ્લાન્ટમાં પાણીનું શુધ્ધીકરણ કરવાને બદલે સીધું જ ફિલ્ટર થયા વગરનું પાણી પોરબંદર અને છાંયાને મોકલવામાં આવતું હોય પોરબંદર અને છાંયાના હજારો લોકોએ દુષિત અને ક્ષારયુકત પાણી પીવાની કર પડી રહી છે જેની યોગ્ય તપાસ કરવા અને જવાબદારો સામે પગલા ભરવા માંગણી છે.

તેની તપાસ કરવા અને વિવિધ વિભાગમાં સરકારી નાણાંની સીધી જ ઉચાપત અને સરકારી નાણાનો દુરવ્યય કરવામાં આવ્યો હોય મુદાઓ માટે તપાસ પંચ નીમીને તપાસ કરાવવા અને જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવા અને નાણાની વસુલાત કરવા રજુઆતમાં કોંગ્રેસ આગેવાનોએ જણાવેલ છે.(૭.૬)

(12:19 pm IST)