Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

સગીરા સાથે અડપલાં કરનાર શાળાના આચાર્યની ધરપકડ

કાલાવાડ તાલુકાના પંચદેવડા ગામની ઘટના : ૫૬ વર્ષીય આરોપીએ ઓનલાઈન શિક્ષણના બહાને છાત્રાને શાળાએ બોલાવીને શારીરિક અડપલા કર્યા હતા

રાજકોટ, તા. ૩૦: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પંચદેવડા ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્યની પોલીસે ધરપકડ કરી છે કારણકે તે આચાર્ય પર શાળાની ૧૦ વર્ષની વિદ્યાર્થિનીને શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ છે. પોલીસે જણાવ્યું કે બાબુ સંઘાણી નામના ૫૬ વર્ષીય આરોપીએ ઓનલાઈન શિક્ષણના બહાને વિદ્યાર્થિનીને શાળાએ બોલાવીને તેને શારીરિક અડપલા કર્યા હતા.

જામનગરના કાલાવડ તાલુકાના નાના પંચદેવડામાં સરકારી શાળાના આચાર્ય બાબુ સંઘાણીએ ૧૦ વર્ષની વિદ્યાર્થિનીને ઓનલાઈન શિક્ષણના બહાને શાળાએ બોલાવી હતી. ત્યારબાદ તેની સાથે શારીરિક છેડતી કરી હોવાનું સામે આવતા તેના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આચાર્ય બાબુ સંઘાણી સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. કાલાવડ તાલુકા પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે ૧૦ વર્ષીય વિદ્યાર્થિનીના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે શાળાના આચાર્ય બાબુ સંઘાણીએ મારી દીકરીને શારીરિક અડપલા કર્યા હતા જે અમને દીકરીએ ઘરે આવીને જણાવ્યું હતું. વિદ્યાર્થિનીના પિતાએ તાલુકા એજ્યુકેશન ઓફિસરને ફરિયાદ કરતા તેમણે આ અંગે પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદના આધારે અમે આચાર્ય બાબુ સંઘાણીની ધરપકડ કરી છે.

આ વિદ્યાર્થિની ખેડૂતની દીકરી છે અને ધોરણ ૫માં અભ્યાસ કરે છે. પોલીસે જણાવ્યું કે શાળાના આચાર્ય બાબુ સંઘાણીનો કોઈ ગુનાહિત રેકોર્ડ રહ્યો નથી અને તેમની વિરુદ્ધ આ પહેલી ફરિયાદ નોંધાઈ છે. જ્યારે તે શાળામાં પણ અગાઉ કોઈ પ્રકારનો ગુનો નોંધાયો નથી.

(9:09 pm IST)