Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

પાટડીના નાના રણમાં ૧ હજાર પ્રવાસીઓ ૧૦૦ ગાડીઓ સાથે ફસાયા

તંત્ર દ્વારા બચાવ કામગીરી બાદ સલામત સ્થળોએ આશરો અપાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૩૧: સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા રણમાં આવેલા પવિત્ર ધાર્મિક સ્થાનમાં દર્શન કરવા માટે દિવાળીના દિવસોમાં મોડી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતાં પરંતુ અચાનક જ ધોધમાર વરસાદ પડવાનો શરૂ થતાં ૧૧૦૦થી વધુ પ્રવાસીઓ રણમાં ફસાઈ ગયા હતાં

આ અંગેની જાણ થતાં બચાવ ટુકડીઓને મોકલવામાં આવી હતી અને તમામ દર્શનાર્થીઓને ભારે જહેમત બાદ સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતાં.

સુરેન્દ્રનગરના રણમાં ઝીંઝુવાડા પાસે ધાર્મિક સ્થાનમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતાં અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી આ દરમિયાનમાં સાંજના સમયે ધોધમાર વરસાદ પડવાનો શરૂ થતાં રણમાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતાં

જેના પરિણામે ૨૨૦ જેટલા વાહનો સાથે ૧૧૦૦ જેટલા પ્રવાસીઓ ફસાયા હતાં આ અંગેની જાણ થતાં રાજય સરકારે તાત્કાલિક સુરેન્દ્રનગર તથા આસપાસના પ્રશાસન તંત્રોને એલર્ટ કર્યા હતા અને તાત્કાલિક બચાવ ટુકડીઓને મોકલવામાં આવી હતી ભારે જહેમત બાદ એક પછી એક વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતાં અને તમામ પ્રવાસીઓને સહી સલામત બહાર કઢાતા સરકારી તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો.

(3:32 pm IST)