Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

વિરમગામમાં માવઠાથી પાકને ભારે નુકશાનઃ સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોની માંગણી

વઢવાણ,તા.૩૧: વિરમગામ શહેર સહીત પંથકમાં ગઈકાલે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને થોડી મિનિટોમાં આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું સાથે જોરદાર પવન શરૂ થતા મીની વાવાઝોડું વિરમગામ પંથકમાં ધાકડી,કાલીયાણા,ડેડીયાસણ સહિત માંડલ તાલુકાના અનેક ગામડાઓમાં ત્રાટકયુ હતું સાથે વરસાદ પણ ચાલુ થતા ખેડૂતોના તૈયાર પાકને મોટું નુકસાન થતાં જગતનો તાત ખેડૂત કુદરત આગળ લાચાર થઈ ગયો હતો

વિરમગામ તાલુકાના ધાકડી સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની સ્થળ મુલાકાત લેતા ખેતરોમાં જુવાર,એરંડા, કપાસ સહિતના પાક ને ભારે નુકસાન જોવા મળ્યું હતું

વાવાઝોડા સહિત ભારે વરસાદ સાથે ઠેરઠેર બરફના કરા પણ પડ્યા હતા હાઈવે ઉપર સાવચેતીરૂપે વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા

વિરમગામ પંથકના વિરમગામ માંડલ દેત્રોજ તાલુકા માં ગઈકાલે મંગળવારે સાંજે કુદરતના પ્રકોપ થી થયેલ ખેતી ના નુકસાન બાબતનો સર્વે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા તાત્કાલીક સર્વે કરવામાં આવે અને ખેડૂતોને સત્વરે રાહત પેકેજ આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવેલ છે.

(11:47 am IST)