Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

માતાના મઢનો ર.૩પ કરોડના ખર્ચે વિકાસ થશે

ટૂંક સમયમાં સરકારની મંજૂરી મળ્યા બાદ કામો હાથ ધરવામાં આવશે

ભુજ તા. ૩૧ :.. કચ્છ અને એની બહાર વસતા ભાવિક ભકતો માતાનાં ચરણોમાં શીશ ઝૂકાવે છે. માતાજીની પૂજા-અર્ચના અને દર્શન માટે આવતા શ્રધ્ધાળુઓ અને સ્થાનિકોની સુખસુવિધા માટે યાત્રાધામના વિકાસનું બીડું ઉપાડવામાં આવ્યું છે. મંદિર સંકુલમાં સુવિધાનાં વિવિધ કામો ઉપરાંત માતાજીના મંદિરની સાથે સંકળાયેલા પ્રાચીન ચાચરકુંડના રિનોવેશનની કામગીરી ર.૩પ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે શૌચાલયથી લઇને શેડ સુધીનાં કામોને આવરી લેવાયાં છે.

યાત્રા વિકાસ વિભાગના રાજયકક્ષાનાં પ્રધાન વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે પ્રસિધ્ધ માતાના મઢ એવા આશાપુરા માતાના મંદિર સંકુલ અને ચાચરકુંડ ખાતે અંદાજે ર.૩પ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કામોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં સરકારની મંજૂરી મળ્યા બાદ કામો હાથ ધરવામાં આવશે. બોર્ડ દ્વારા નારાયણ સરોવર પાસે આવેલા પ્રાચીન સ્થાનીક મહાપ્રભુજીની બેઠકના રીડેવલપમેન્ટની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. સોમનાથ, દ્વારકા અને અંબાજીની જેમ માતાના મઢ ખાતે પણ વિકાસ કરવા સરકાર કટિબધ્ધ છે.

(11:37 am IST)