Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળામાં માવઠુઃ અડધાથી ૭ ઇંચ

કપાસ,મગફળી,તલ સહિતના પાકને ભારે નુકસાન : ખેડૂતોનાં મોઢે આવેલ કોળીયો ઝૂંટવાયો

પ્રથમ તસ્વીરમાં વઢવાણ, બીજી ત્રીજી અને ચોથી તસ્વીરમાં ગોંડલમાં વાદળા અને વરસાદ તથા પાંચમી તસ્વીરમાં મોરબી-ટંકારા હાઇ-વે ઉપર પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીર ફઝલ ચૌહાણ (વઢવાણ) ભાવેશ ભોજાણી.ગોંડલ)

રાજકોટઃ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો યથાવત છે મંગળવારે સાંજના સમયે અચાનક વરસાદ વરસતા ઝાપટાંથી માંડી ને ૩ ઈંચ સુધી વરસાદ વરસતા મગફળી કપાસ અને તલ સહિત ના પાકને ભારે નુકસાન થયું છે

મંગળવારે  સૌથી વધુ વરસાદ મોરબી જિલ્લાના ટંકારા અને વાંકાનેર તાલુકામાં વરસ્યો હતો આ બંને તાલુકામાં ઝાપટાંથી માંડી ને ત્રણ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો જયારે મોરબીમાં પોણા બે ઇંચ અને હળવદમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતોઙ્ગ માળીયામીયાણા માં વરસાદી ઝાપટા પડ્યા હતા

ઙ્ગ ઙ્ગઆ ઉપરાંત રાજકોટ જિલ્લાના જેતપુરમાં દોઢ ઇંચ અને પડધરી માં એક ઇંચ વરસાદ પડ્યો હતો જયારે જામકંડોરણા ધોરાજી અને રાજકોટમાં વરસાદી ઝાપટા પડ્યા હતા

જયારે બોટાદ જિલ્લાના રાણપુરમાં ૮ મી.મી. , જૂનાગઢમાં ૯ મી.મી., વંથલી માં ૫મી.મી વરસાદ વરસ્યો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર- કચ્છમાં અડધાથી સાત ઇઁચ વરસાદ પડયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ લાલપુર તાલુકાના ભગત ખીજડીયામાં ૭ ઇંચ તૂટી પડયો હતો.

જામનગર

જામનગરઃ શહેર અને જીલ્લામાં વાતાવરણમાં પલ્ટા સાથે મંગળવારે સાંજથી બુધવાર સવાર સધીમાં લાલપુરમાં દોઢ ઇંચ જામજોધપુરમાં પોણો ઇંચ, ધ્રોલમાં તથા જોડિયામાં અડધો ઇંચ જામનગરમાં ૬ મીમી વરસાદ પડયો હતો.

ભુજ

ભુજઃ સૌરાષ્ટ્રમાં 'કયાર' વાવાઝોડાની અસર પછી હવે કચ્છમાં 'કયાર'   પોતાનો પાવર બતાવ્યો છે. ગઈકાલે મુન્દ્રા અને આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ પછી આજે ભાઈબીજના કચ્છમાં 'કયાર'  અસર પ્રબળપણે વરતાઈ હતી. આજે સવારથી ધાબડીયા વાતાવરણ પછી એકાએક સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ધીમો પવન ફૂંકાવાની સાથે જ ધીરે ધીરે જાણે ચોમાસુ જામ્યું હોય તેમ જોરદાર ઝાપટાં સાથે ઠંડો પવન ફૂંકાતા મીની વાવાઝોડા જેવો અનુભવ થયો હતો. ભચાઉ, અંજાર, ગાંધીધામ અને ભુજમાં અડધોથી સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

મોટી પાનેલી

મોટી પાનેલીઃ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી માં બપોર પછી ચાર વાગે વરસાદ ચાલુ થયો હતો થોડીજવારમાં વરસાદે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ ચાલુ થયેલ થોડીજ વારમાં અંદાજે પોણો ઇંચ જેવો વરસાદ પડી જતા ચારેબાજુ પાણી પાણી થઇ ગયેલ રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયેલ ખેડૂતો ના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયેલ છે માંડવી કપાસ નો પાક સંપૂર્ણ ફેલ જવાની શકયતા છે ખેડૂતો ચિંતાતુર બની ગયા હોય ભાઈબીજના પાવન અવસરે ખેડૂતોનું આખુ વર્ષ બગડ્યું છે.

વઢવાણ

વઢવાણઃ ઝાલાવડ પંથકમાં લાંબુ ચાલેલું ખેડૂતો માટે નવા વર્ષે જ નવી આફત લાવ્યું છે.મંગળવારે ભાઇબીજની રાત્રે વઢવાણ પંથકમાં આષાઢી બીજ જેવો માહોલ સજાર્યો હતો. સુરેન્દ્રનગર જીલ્લામાં ભારે વરસાદ સાથે બેથી ચાર ઇંચ વરસાદ ખાબકયો હતો.

વઢવાણ તાલુકામાં મોડી રાત્રે ત્રણ કલાકમાં ચાર ઇંચથી વધારે વરસાદ ખાબકયો હતો. વરસાદને કારણે ખેતરો જળબંબબાકાર બની ગયા હતા. ખેડૂતોએ પાકના નુકસાન અંગે પોતાની આપવીતી કહી હતી સાથે જ ખેડૂતોએ પાક વીમાના પૈસા ચુકવવાની માગણી કરી હતી. આ પ્રસંગે રોષે ભરાયેલા ખેડૂતોએ વિજય રૂપાણીની સરકારને સંવેદનશીલ નહીં પરંતુ શંકાશીલ કહી હતી. ખેડૂતોના કહેવા પ્રમાણે આ વર્ષે ચોમાસું લાંબું ખેચાયું હોવાથી પહેલાથી જ પાકને ભારે નુકસાન થયું છે.હવે ઓછામાં પુરૂ પાક તૈયાર છે. ત્યારે પણ માથે વરસાદ પડતા તેમના માટે પડયા પર પાટુ જેવી સ્થિતિ ઉભી થઇ છે.

વરસાદને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં ૩.૫૫ લાખ હેકટરમાં કપાસ, ૧૫,૬૪૫ લાખ હેકટરમાં મગફળી, ૧૫.૧૬૨લાખ હેકટરના તલના વાવેતર સામે ખતરો મંડાયો છે. ખેડૂતોના કહેવા પ્રમાણે કુલ વાવેતરમાંથી ૮૦ ટકાથી વધુ પાકનું નુકસાન થયું છે.

(11:36 am IST)