Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ખેડુતોના સંપૂર્ણ દેવા માફ કરોઃ વડાપ્રધાનને પત્ર પાઠવતા પરેશ ધાનાણી

અમરેલી તા. ૩૧ :.. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને પત્ર પાઠવીને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા સહિતના પ્રશ્ને રજૂઆત કરી છે.

પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે શ્રી સરદારની પ્રતિભા ને ઝાંખપ લગાડી અને સત્તાની સીડી ચડવા માટે સામાજિક સમરસતા તથા સદભાવનાને કાયમી ઠેસ પહોંચાડનારા માન. પ્રધાન મંત્રીશ્રી આપ આગામી ૩૧ ઓકટોબરે શ્રી સરદાર સાહેબની વૈશ્વિક ઉંચી પ્રતિમાનું અનાવરણ થયુ છે તેને હુ આવકારૂ છું.

પરંતુ હાલ ગૃહરાજયમાં અછતના ઓછાયા તળે જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહેલા ગરીબો, ગામડીયાઓ અને ખેડૂતોની નિમ્ન લીખીત લાગણીઓ અને માંગણીઓ અંગે આગામી શ્રી સરદાર જન્મ જયંતિની સુપ્રભાતે માન ની વાત માં રાજયના જન-જનની વેદનાને વાંચા મળે તે જરૂરી છે.

સરદાર સરોવરના નીર ખેડૂતોનાં ખેતરે પહોંચાડવામાં નિષ્ફળ નિવડેલી સરકારે હાલ ઓછા અને અનિયમિત વરસાદના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર-ગુજરાત સહિતના મુખ્યત્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં ત્વરીત અછત જાહેર કરવી જોઇએ.

ખેડૂતોને ખોળો ખૂંદનારા રાષ્ટ્રના સ્વાભિમાન સમાન શ્રી સરદારના વ્યવસાયિક વારસદારો આજે દેવાના ડુંગર તળે દબાઇને અંતિમ વાટનો આશરો લઇ રહ્યા છે ત્યારે સરકારે ત્વરીત ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા જોઇએ.

મગફળી કાંડ માંથી રૂ. ૪૦૦૦ કરોડની મલાઇ કોણ તારવી ગયુ તેની ઉચ્ચ ન્યાયાલમાં પદનામિત ન્યાયમૂતિશ્રીના નેતૃત્વ તળે તટસ્થ તપાસ કરાવવી જોઇએ.

પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે મુંગા પશુધનને મોતના મોઢેથી બચાવવા માટે ત્વરીત રાહત દરે પુરતા પ્રમાણમાં ઘાસચારો ઉપલબ્ધ કરાવવો જોઇએ.

યુવાનોને પરસેવાની કમાણી કરવા માટે ગામના ગૌદરે રોજગારની ગેરંટી મળે તેવી ત્વરીત વ્યવસ્થા કરવી જોઇએ.

આદિવાસીઓનાં સ્થાપિત અધિકારોનું હનન ઉલંઘન કરનારી ભાજપ સરકારમાં સરદાર સરોવર યોજનાના વિસ્થાપિતોનું ત્વરીત યોગ્ય વળતર સાથે પુનઃવસન કરવા યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ. તેમ અંતમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું છે.

(4:27 pm IST)