Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

હળવદનાં ચરાડવા શ્રી મહાકાળી માતાજી મંદિરે નવેમ્બરમાં મહાકાલી દશ વિધ્ધા યજ્ઞ - શ્રીમદ્ દેવી ભાગવત કથા

મોરબી હાઈવે ઉપર ચરાડવા નજીક કાલી માતાના મંદિરે વિરાટ આયોજનઃ પ.પૂ.દયાનંદગીરીજી મહારાજ, પૂ.અમરગીરીજી મહારાજની આગેવાનીમાં તડામાર તૈયારી : કથાના વ્યાસાસને રાજકોટના સુપ્રસિધ્ધ કથાકાર પૂ.કનૈયાલાલ ભટ્ટ

 મોરબી, તા.૩૧ : ભગવતી જગતજનની શ્રી મહાકાળી માતાજીની કૃપાથી પ.પૂ.સંતશ્રી દયાનંદગીરીજી મહારાજની પ્રેરણાથી તથા શિષ્ય પૂ.અમરગીરીજી મહારાજનાં અથાગ પરિશ્રમ અને ભકતજનોના સહકારથી હળવદ તાલુકાનાં ચરાડવા ખાતે આવેલા શ્રી મહાકાળી આશ્રમ (દેવળીયા રોડ) ખાતે તા.૯ થી ૧૭ નવેમ્બર ૨૦૧૮ દરમિયાન ધર્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

તા.૯-૧૧-૧૮ થી તા.૧૭-૧૧-૧૮ સુધી આયોજીત આ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત મહાકાલી દશ વિધ્ધા યજ્ઞ તથા શ્રીમદ દેવી ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

નવ દિવસ દરમિયાન ભજન, ગરબાની રમઝટ બોલશે અને સર્વ સંત મહાત્માઓ બિરાજશે અને ધર્મોત્સવનો લાભ લઇને આર્શિવચન પાઠવશે.

પ.પૂ.સંતશ્રી દયાનંદગીરીજી મહારાજ તથા શિષ્ય પૂ.અમરગીરીજી મહારાજની આગેવાનીમાં ચરાડવા તેમજ ૧૦થી ૧૫ ગામના ગ્રામજનો - આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શ્રીમદ દેવી ભાગવત કથાના વ્યાસપીઠ ઉપર રાજકોટનાં કથાકાર પૂ.કનૈયાલાલ ભટ્ટ બિરાજીને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી બપોરના ૧૨ અને બપોરના ૩ થી સાંજના ૬ વાગ્યા સુધીનો રાખેલ છે.

આ વિરાટ ધાર્મિક - આધ્યાત્મિક આયોજનમાં જોડાવવા પૂ.દયાનંદગીરીબાપુના સેંકડો શિષ્યો - ભાવિકો - શ્રેષ્ઠીઓ તન - મન - ધનથી જોડાઈ રહ્યા છે. ચરાડવા ગામ સહિતના ૧૦ થી ૧૫ ગામોના અગ્રણીઓ - ગ્રામજનોએ સ્વયંભુ કાર્યભાર સંભાળી લીધો છે. આ પ્રસંગને ભવ્યાતિભવ્ય બનાવવા આયોજન - મીટીંગોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

(11:58 am IST)