Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

આટકોટ નજીક અકસ્માતમાં રૂરલ પોલીસ કર્મચારી છગનભાઇ સરીયા અને તેના પત્નીના મોતથી અરેરાટી

વતન લાખાવડ ગામે આજે સવારે અંતિમયાત્રા વેળાએ કરૂણાસભર દૃશ્યો સર્જાયા : વતનથી રાજકોટ આવતો'તો ને દંપતિને કાળભેટી જતા ગામમાં શોકનું મોંજુુ

તસ્વીરમાં અકસ્માતમાં મોતને ભેટેલ દંપતિનો મૃતદેહ, બીજી તસ્વીરમાં બાઇક અને ત્રીજી તસ્વીરમાં હોસ્પિટલે ઉમટેલ લોકોના ટોળા નજરે પડે છે. ઇન્સેટ તસ્વીર મૃતક  પોલીસ કર્મચારી છગનભાઇની છે. (તસ્વીર : વિજય વસાણી -આટકોટ)

જસદણ, તા. ૩૧ : જસદણના લાખાવડ ગામના વતની અને રાજકોટ રૂરલ પોલીસ હેડ કવાર્ટસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અને તેના પત્નીનું ગતરાત્રીના આટકોટ નજીક અકસ્માતમાં મોત થયા બાદ આજે સવારે તેના વતન લાખાવડ ગામમાં બંન્નેની અંતિમ યાત્રા વેળાએ કરૂણાસભર દૃશ્યો સર્જાયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે ગત રાત્રીના આટકોટ રાજકોટ હાઇવે પર ગોંડલ બાઉન્ડરી પાસે ગત રાત્રીના રાજકોટમાં રૂરલ પોલીસ હેડકવાર્ટસમાં ફરજ બજાવતા છગનભાઇ લઘુભાઇ સરિયા અને તેમના પત્ની રંજનબેન પોતાના વતન લાખાવડથી પોતાનું બાઇક જીજે-૦૩-એફસી ૧૯૦પ લઇને લાખાવડથી રાજકોટ આવતા હતાં ત્યારે કોઇ અજાણ્યા વાહને પાછળથી અડફેટે લેતા ઘટના સ્થળે જ બંન્નેના મોત થયા હતાં.

આ બનાવની જાણ આટકોટ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી આઇકાર્ડના આધારે ઓળખ મેળવી બંને લાશનોે જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડતા ત્યાં આ હોસ્પિટલના પ્રાંગણમાં લોકોના ટોળેટોળા ઉમટયા હતાં અને આ દંપતિના બંને પરિણિત યુવાન પુત્રોએ જાહેરમાં હૈયાફાટ રૂદન કરતા તેમના સગા-સબંધીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

મૃતક છગનભાઇ અને તેમના પત્ની રંજનબેનનો માયાળુ અને પરોપકારી સ્વભાવ હોવાથી.  લાખાવડ ગામમાં આજે સવારે બન્નેની અંતિમયાત્રાવેળાએ હૃદયદ્રાવેક દ્રશ્યો સર્જાયા હતાં.

મૃતક પોલીસ કર્મચારી છગનભાઇ તથા તેમના પત્ની રંજનબેન ચાંદલા વિધી માટે વતન લાખાવડ ગયા હતા અને ત્યાંથી રાજકોટ પરત ફરતી વેળાએ આટકોટ નજીક બન્નેને કાળ ભેટી ગયો હતો.

મૃતક પોલીસ કર્મચારી છગનભાઇને બે પુત્રો છે જેમાં મોટો પુત્ર તેમની સાથે રહેતો હતો જયારે નાનો પુત્ર હાલ સુરત પોલીસમાં ફરજ બજાવે છે. આ બનાવની જાણ રાજયનાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને થતાં તેઓ દિલ્હી હોવા છતાં લાખાવડનાં સરપંચ સતત સંપર્કમાં રહી યોગ્ય કાર્યવાહી કરવામાં મદદ કરી હતી.

આ બનાવની વધુ તપાસ આટકોટ પોલીસના પી. એસ. આઇ. જાડેજા ચલાવી રહ્યા છે. (૮.૮)

(11:48 am IST)