Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

મોરબી ગંદકીથી ત્રાસેલા નિવૃત એ.એસ.આઇ. અને મહિલાઓએ જાતે ગંદકી દૂર કરવા ખાડા બૂર્યા, સ્વખર્ચે કપચી નાખી !!

મોરબી, તા. ૩૧ : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ હરિ પાર્ક સોસાયટીમાં આવેલ મુખ્ય રોડ સહિતના રોડમાં મસમોટા ખાડા, ગાબડા પડયા હોવાથી અહીંના રહીશો, અહીંથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો ખૂબ લાંબા સમયથી હાડમારીનો સામનો કરી રહ્યા હતાં અને આ બાબતે કાર્યવાહી કરવા તંત્રમાં પણ અવારનવાર રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નહોતી.

વરસાદ પડતાની સાથે જ આ મસમોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા પરિસ્થિતિ વધુ વણસી હતી અને રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા અંતે 'અપને હાથ જગન્નાથ' કહેવત મુજબ ત્રાસેલા રહીશોએ રીટાયર્ડ  એ.એસ.આઇ. એન.ડી. આહીર (એસ.ઓ.જી.)ની આગેવાનીમાં તેમના માર્ગદર્શન હેઠળ અહીંના લાભુબેન, સુમિતાબેન, મીરાબેન, સોનલબેન, ઉર્મિલાબેન સહિતની ૩૦થી વધારે મહિલાઓએ પાવડા-તબળકા, સાવરણા હાથમાં લીધા અને જાતમહેનતે સફાઇ કરી અને સ્વખર્ચે તેમાં કાંકરી મંગાવી રોડ પર પાથરી, રોડને ચાલવા જેવો બનાવ્યો. બીજા અર્થમાં કહીએ તો વડાપ્રધાનના સફાઇ અભિયાનને જાતમહેનત સ્વખર્ચે સાર્થક કરી બતાવ્યું.

(1:14 pm IST)