Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ધ્રોલમાં અનરાધાર વરસાદથી અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી-પાણી

ધ્રોલ તા. ૩૧ :.. જોરદાર પવન સાથે સતત અનરાધાર વરસાદ વરસતા પાંચ ઇંચ વરસાદ પડી જતાં શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયેલ. જેના કારણે લતાવાસીઓને મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. આ નિચાણવાળા વિસ્તારોમાં નંદનવન સોસાયટી, તુલસી પાર્ક તથા કબ્રસ્તાનમાં પાણી ભરાઇ જતાં નગરપાલીકાના પ્રમુખ એન. ડી. ચુડાસમા સહિતના સ્ટાફ સાથે બુલડોઝર દ્વારા સફાઇ કામગીરી હાથ ધરી હતી. જેમાં તુલસી પાર્કમાં પાણીના નીકાલની જગ્યાએ દિવાલ બનાવી લીધી હતી. તે દિવાલને તોડીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ વૃંદાવન સોસાયટીમાં મુખ્ય રસ્તાઓમાં બે થી રાા ફુટ જેટલુ પાણી ભરાયેલ છે. જે પાણીનો કોઇ જ નીકાલ સત્તાવાળાઓ તરફથી કરવામાં આવતો નથી, પરીણામે આ સોસાયટીઓના, લોકોને તેમનો જીવન વ્યવહાર આ પાણીમાંથી પસાર થઇ ને કરી રહ્યા છે. તેમજ પાણી ભરાઇ રહેતુ હોય. ગંદકી થતા લોકોને મુશ્કેલીઓ સહન કરવી પડે છે.

ધ્રોલ સહિત તાલુકાના જાયવા, ઇંટાળા, રાજપર, બારવા, વાંકીયા, સોયલ, ધ્રાંગડા સહિતના ગામડાઓમાં ૮ થી ૧૦ ઇંચ જેટલો વરસાદ થતા બાવની નદીમાં ઘોડાપુર આવેલ તેમજ વાગુદડીયા વોંકળામાં પુર આવેલ.

ધ્રોલ ખાતે તા. ર૯-૭- નાં રોજ સવારથી સાંજના ૬ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ તથા રાત્રીના પાંચ ઇંચ વરસાદ પડેલ છે. જયારે આજ સવારથી પણ વરસાદી ઝાપટા ચાલ છે. તેમજ હજુ વરસાદી માહોલ યથાવત છે. જેથી હજુ જોરદાર વરસાદ થવાની શકયતા છે.

ધ્રોલ તથા ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપેલ છે. તેમજ અગાઉ વાવણી કરેલ. ખેતરોમાં વરસાદ થતા આ વરસાદ સોના જેવો વરસાદ પડેલ છે. તેમ ખેડૂતો હોશથી કહે છે. તાજેતરના વરસાદને કારણે હવે ખેડૂતો મગફળી અને તલીના વાવતર શરૂ કરેલ છે.

(1:14 pm IST)