Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

શિવલીંગના રક્ષણ માટે જાનની આહુતિ ઘેલો વાણીયાએ આપેલીઃ ઘેલા સોમનાથ અંગે જાણવા જેવુ

મીનળદેવીના દર્શન કર્યા વગર યાત્રા અધુરી હોવાની લોકવાયકા

જસદણ તા. ૩૧ :.. સૌરાષ્ટ્રની પાંચાળ પંથકનાં રાજકોટ જીલ્લાનાં જસદણથી ર૦ કિ. મી. દુર ઘેલો નદીનાં કિનારે બિરાજમાન શ્રી ઘેલા સોમનાથ મહાદેવ યાત્રાધામના અનોખા શિવલીંગની કથા આજે અમે તમને જણાવશું. કેવી રીતે શિવલિંગના રક્ષણ કરતા ઘેલો વાણિયો માર્યો ગયો તેની યાદમાં નામ પડયું સોમનાથમાંથી ઘેલા સોમનાથ. આવો અમે તમને જણાવીએ આ મંદિરનો આશરે ૧પ મી સદી ૧૪પ૭ ની આસપાસનો ઇતિહાસ છે.

વેરાવળ પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લૂંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મહમદ ગઝનીએ બે-ત્રણ વાર હૂમલો કર્યો હતો. પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી.

એ સમયે જુનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવરી મીનળદેવી કે જે શિવભકિતમાં તલ્લીન હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા તેમણે શિવલિંગની સ્થાપનાં ભુગર્ભમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતાં. આમ મીનળદેવીને ભોળાનાથમાં અપાર શ્રધ્ધા હતી.

ઇ.સ. ૧૪પ૭ ની વાત છે. જયારે સોમનાથ મહાદેવ પર આક્રમણ થયું ત્યારે સોમનાથ દાદાએ સ્વપ્નમાં આવી ને કહયું હતું કે મને પાલખીમાં લઇ જાવ. પરંતુ ૧૪પ૭ ની આસપાસ ગુજરાત ઉપર મહમદ જાફરની આણ વરતાતી હતી તેણે ભુગર્ભમાં જયોતિર્લિંગ છે તેની જાણ થતા આક્રમણ કર્યુ. પરંતુ તેની કુંવરી હુરલ મીનળદેવી સાથે મળી ગયેલ અને તેને મીનળદેવીને તેનાં પિતાશ્રીનાં મનસુબાની જાણ કરી દીધી હતી. એજ સમયે મીનળદેવીને સ્વપ્નમાં આવ્યું અને તે મુજબ મીનળદેવી શિવની પાલખી અને ઘેલો વાણિયો પાલખી લઇને ત્યાંથી ભાગી નીકળેલા. આમ સોમનાથ દાદાની પાલખી દુર દુર નીકળી ગયેલ ત્યારે સુલ્તાનને ખબર પડી કે શિવલિંગ તો સોમનાથમાં રહ્યું નથી.

આથી તેણે તેનું સૈન્ય સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું જયાં જયાં ગામ આવે ત્યાં તે ગામનાં ક્ષત્રીયો અને બ્રાહ્મણો શિવલીંગ બચાવવા સૈન્ય સાથે યુધ્ધે ચડયા. આમ શિવજીની પાલખી સોમનાથની આશરે અઢીસો કિલો મીટર દુર જસદણ તાલુકાનાં કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચ્યું અહીં શિવલીંગની સ્થાપના થઇ. સાથો સાથ આ મંદિરની સામે જ ડુંગર ઉપર મીનળદેવીએ સમાધિ લીધી.

શ્રાવણ માસ દરમ્યાન બ્રહ્મચોરાસી ભકતો દ્વારા ર૦૦ કરતા વધારે બ્રાહ્મણો અને સાધુ સંતોને જમાડવામાં આવે છે અને દાન પુણ્ય પણ આપવામાં આવે છે. તો સરકાર અને ભકતો તરફથી બારે મહિના અન્નક્ષેત્ર પણ ચાલે છે. ઘેલા સોમનાથ મહાદેવમાં શ્રાવણ માસ દરમ્યાન પુજારી હસુભાઇ જોષી દ્વારા અલગ અલગ શણગાર કરવામાં આવે છે. અહીં શ્રાવણ મહિનામાં લોકમેળો હોય છે.

ઘેલા સોમનાથ મહાદેવનાં મંદિર સામે ડુંગર પર શ્રી મીનળદેવી બિરાજમાન છે. અહીંની એક લો કવાયકા મુજબ ઘેલા સોમનાથ દાદાની આરતી ચાલતી હોય છે. ત્યારે પુજારીએ મીનળદેવીની પણ આરતી ઉતારવી પડે છે. જો મીનળદેવનાં મંદિર તરફ જો આરતીનું ધુપેલ્યુ ન કરવામાં આવે તો એ દિવસની આરતીનું ફળ નથી મળતું. સાથે જ જો તમે ઘેલા સોમનાથ મહાદેવનાં દર્શન કરો અને મીનળદેવીના દર્શનના કરો તો તમારી યાત્રા અધુરી ગણાય છે.

શ્રાવણ માસ દરમ્યાન બ્રહ્મ ચોર્યાસી ભકતો દ્વારા થાય છે. સરકાર અને ભકતો દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. પુજારી હસુભાઇ જોષી દ્વારા શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ શણગાર કરવામાં આવે છે.

ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જો તમારે મંદિરના ગર્ભગૃહમાં જવુ હોય તો ફરજીયાત તમારે ધોતી પહેરવી પડે અને સાથે જ જળા અભિષેક કરવો હોય તો મંદિરનાં ટ્રસ્ટ દ્વારા શુધ્ધ પાણી પણ રાખવામાં આવે છે. જેનો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. સાથે જ પ્રસાદ માટે પણ કોઇપણ પ્રકરનો ચાર્જ લેવામાં આવતો નથી.

જો તમારે ઘેલા સોમનાથ દાદાનાં દર્શને જવુ હોય તો રાજકોટથી ૮૦ કિલો મીટરનો રસ્તો છે અને જો તમે સુરત-વડોદરા કે અમદાવાદ તરફથી આવો છો તો તમારે રાજકોટ નથી જવાનું બગોદરાથી ધંધુકા અને પાળીયાદ થઇ ને વિંછીયાથી તમે ઘેલા સોમનાથ જઇ શકો છો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં વહીવટદાર તરીકે સેવા આપતા નેકદીલ ઇન્સાન મનુભાઇ શીલું નાયબ મામલતદાર તરીકે નિવૃત થયા બાદ આ મંદિરમાં ભાવિકોની અહોભાવથી સેવા એક પણ નયા પૈસાનો પગાર લીધા વગર કરી રહ્યા છે. (તસ્વીર હુસામુદીન કપાસી જસદણ)

(11:58 am IST)