Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

સોમનાથ મહાદેવ મંદિરે અમદાવાદ ટ્રસ્ટના સેવકોએ વાજતે ગાજતે ધ્વજારોહણ કર્યુ

સોમનાથમાં પવિત્ર શ્રાવણમાસના આગમનનું કાઉન્ટડાઉન શરૂ

પ્રભાસપાટણ તા.૩૧ : વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ પુર્વે અમદાવાદ સ્થિત બાપા સીતારામ સેવા ટ્રસ્ટના સેવક ભાઇ બહેનોએ ધૂન ભજન રાસ ગરબા અને વાજતે ગાજતે સોમનાથ મહાદેવને રાજભોગ થાળ ધરી પૂજનવિધી સાથે મંદિરના શિખરે ધ્વજારોહણ કર્યુ હતુ.

ટ્રસ્ટના વડીલ હરીશ સોનીએ જણાવ્યું કે, અમો છેલ્લા નવ વરસથી આ પરંપરા કાર્ય કરીએ છીએ જેની નોંધપાત્ર બાબત એ પણ છે કે સોમનાથ ટ્રસ્ટના વીવીઆઇપી અતિથિગૃહના કેર ટેકર જીતુપુરી બાપુની પ્રેરણાથી અમો સોમનાથ મંદિર શ્રમભકિત કરવા પ્રેરાયા જેથી ધન્યતા પ્રાપ્તી મહાદેવ કૃપા અમોને મળી. પવિત્ર શ્રાવણ માસ પ્રારંભને હવે ગણતરીના કલાકો જ કાઉન્ટ ડાઉન શરૂ થયુ છે પણ અત્યારથી જ પવિત્ર શ્રાવણ માસના રવિ સોમવાર અને જાહેરરજાના અનુસંધાને લોકો અતિથિગૃહમાં રૂમો બુક મોટાભાગના કરાવી ચુકયા છે.

મંદિર આસપાસ ભિક્ષુક વૃતિ કરતા સાધુઓ અત્યારથી જ પોતાની બેસવાની જગ્યા પસંદ કે બુક કરી લીધી છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરીએ અહી જ મુકામ રાખ્યો છે અને શ્રાવણમાસની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. ટ્રસ્ટની પ્રશંસનીય બાબત એ રહી કે આ બાબતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિનામુલ્યે સમુહરાત્રી નિવાસ ડોમ પહોળી વિશાળ જગ્યા સોમનાથ ચોપાટી ઉપર બનાવેલ છે જે સંપુર્ણ વોટરપ્રુફ છે. એટલુ જ નહી હાઇમાસ્ટ વિજ રોશની પાથરતા પાંચ ટાવર તાકીદે કાર્યાન્વીત કરાયા છે.

સમગ્ર સોમનાથ મંદિર વરસાદના જળ અભિષેકથી ઉજાશમય અને સંધ્યા બાદ ઝળહળતી રંગબેરંગી રોશનીના નઝારામાં નાહી રહ્યુ છે જે દિવ્ય અનુભુતી આપે છે.

(11:54 am IST)