Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

કચ્છમાં મીઠાના કારખાનેદારની કાર આંતરીને છરીની અણીએ પોણા બે લાખની લુંટ ચલાવી

ભુજ, તા.૩૧: સામખીયાળી ભચાઉ હાઇવેના સર્વિસ રોડ ઉપર કુમાર બ્રધર્સ પેટ્રોલ પમ્પ પાસે મીઠાના કારખાનેદારને લૂંટી લેવાના બનાવે ચકચાર સર્જી છે. આ અંગે થયેલી પોલીસ ફરિયાદ મુજબ આદિપુરમાં રહેતા આહીર વ્યાપારી રમેશ ગોવીંદ ચાવડા પોતાની ઓફિસ નાની ચીરઇથી મજૂરો માટેના પગારના રૂપિયા ૧.૭૦ લાખ લઈને ભચાઉમાં કામ પતાવીને ત્યાંથી તેઓ ભચાઉના કાંઠાળ વિસ્તારમાં આવેલા પોતાના મીઠાના કારખાના શિવશકિત સોલ્ટ વકર્સ તરફ જઈ રહ્યા હતા ત્યારે પેટ્રોલપંપ પાસે બે બાઇક ઉપર સવાર બુકાની પહેરેલા શખ્સોએ તેમની કાર રોકી હતી. કાર ઉપર પથર તેમ જ ધોકા મારી કાચ તોડી નાખ્યા હતા. જયારે બે ઈસમોએ કારમાં દ્યૂસીને રમેશભાઈને છરી બતાવીને આગળની ડીકીમાં પડેલા ૧.૭૦ લાખ રૂપિયા રોકડા તેમ જ મોબાઈલ ફોન સહિત કુલ ૧.૭૮ લાખની લૂંટ ચલાવીને સામખીયાળી તરફ ભાગી ગયા હતા. એક બાઇકની પાછળ કિસ્મત લખેલું હતું. ૨૨ થી ૨૫ વર્ષના આ લૂંટારુઓ પૈકી એકે કાળું ટીશર્ટ અને સફેદ પેન્ટ પહેર્યા હતા. લૂંટના આ ચકચારી બનાવને પગલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

(11:37 am IST)