Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ભાણવડમાં પવનના સૂસવાટા વચ્ચે માત્ર ઝાપટાથી અડધો ઇંચ

ભાણવડ તા.૩૧: ભાણવડમાં છેલ્લા ૪૮ કલાકથી ભારે વરસાદના માહોલ વચ્ચે કાતિલ શિતલહેરે લોકોને બાનમાં લીધા છે. ભારે વરસાદને બદલે ફુંકાતા ભારે પવનની જનજીવન પર વિપરીત અસર પડી છે. ઘનધોર વાદળાચ્છિદ આકાશમાંથી ભારે વરસાદને બદલે માત્ર ઝાપટા પડી રહ્યા છે. ગત મોડી રાતથી અતિભારે પવનના સુસવાટા વચ્ચે સવારના દસ વાગ્યા સુધી ઝાપટા રૂપે વરસાદ માત્ર ૧૪ મીમી વરસાદ જ નોંધાયો હતો અને ત્યારબાદ સાંજ સુધીમાં એકાદ ઝાપટા સુધી જ મર્યાદિત રહ્યો હતો જયારે કાતિલ શિત લહેરની જનજીવન પર વિપરીત અસર પડી રહી છે. આકાશી માહોલ જોતા અતિ ભારે વરસાદની શહેરીજનોની આશા માત્રને માત્ર ઝાપટા પડી રહ્યા હોઇ ઠગારી નિવડી રહી છે. શહેરીજનોને શહેરના નદી-નાળા છલકાઇ જતા જોવાની તેમજ પાણીથી છલોછલ ભરાયેલા ડેમ-તળાવાનો દ્રશ્યો નિહાળવાની ભારે ઉત્સુકતા છે જે હાલ તો અધુરી રહી છે જો કે, હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હોઇ આશા છે કે, ભાણવડનો વારો પણ આવી જ જશે.અત્યાર સુધીમાં ભાણવડમાં મોસમનો કુલ વરસાદ માત્ર ૮૧ મીમી જ નોંધાયો હોઇ હવે વરૂણદેવ મન મુકીને વરસાદ વરસાવે એવી આશા સમગ્ર તાલુકાની જનતા ઇચ્છી રહી છે.

(11:36 am IST)