Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

ભાવનગરના માટીયા ગામ પાસે ટ્રેકટર પલ્ટી મારતા જ સળગી ઉઠ્યુ : ટ્રેકટરમાં સવાર ૩ વ્યકિતના સળગી જતા કરૂણ મોત : ૧ નો ચમત્કારિક બચાવ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગરનાં ભાલ પંથકમાં માટીયા પાસે ટ્રેકટર પલ્ટી ખાઇ જતા ટ્રેકટરમાં આગ લાગતા ત્રણનાં સળગી જતા મોત નિપજયું છે. જયારે એકનો ચમત્કારીક બચાવ થયો છે.

આ ગોઝારા અકસ્માતની વિગત એવી છે કે ભાવનગરના ભાલ પથંકના સવાઇનગર ગામેથી ટ્રેકટર ટ્રોલી સાથે ભડભીડ ગામે ગયો હતો અને પરત આવી રહ્યો હતો ત્યારે મોડી રાત્રે માટીયા ગામ નજીક ટ્રેકટર અચાનક પલ્ટી ખાઇ જતા તેમાંથી ડીઝલ ઢોળાયું હતું અને કોઇ કારણોસર આગ લાગી હતી અને પવનને કારણે ટ્રેકટરમાં આગ ઝડપી પ્રસરી જતા ટ્રેકટરમાં બેઠેલા ત્રણના સળગી જવાથી કરૂણ મોત નિપજયા હતા. જયારે એક વ્યકિત ટ્રેકટરમાંથી ફંગોળાઇ જતા તેનો બચાવ થયો છે.

આ બનાવમાં આગમાં ભડથું થઇ જવાથી જેના મોત નિપજયા છે તેમાં તેજાભાઇ પ્રાગજીભાઇ વાઘેલા (ઉ.વ.૪૦), જીજ્ઞેષભાઇ દુધાભાઇ બારૈયા (ઉ.વ.૧૮) અને ભરતભાઇ લક્ષ્મણભાઇ મકવાણા (ઉ.વ.૩પ) નો સમાવેશ થાય છે. જયારે મહેશભાઇ જેન્તીભાઇ વાઘેલાનો બચાવ થયો છે.

બનાવની જાણ થતાં જ આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા પણ પવનને કારણે આગ બુઝાઇ ન શકતાં ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડ ૧૦૮ નો સ્ટાફ, પોલીસ અધિકારીઓ અને સ્ટાફી બનાવ સ્થળે દોડી આવ્યા હતા.

આ બનાવથી નાના એવા સુવાઇનગર ગામમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ છે. મૃતક ત્રણેય સવાઇનગરના વતની છે. ત્રણેયની અંતિમ વિધિ સમયે ગામ હિબકે ચડ્યું હતું.

(1:29 pm IST)