Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

પૂર્વ રાજયમંત્રી ગોવિંદભાઇ પટેલના ગુરૂબંધુ હંસરાજભાઇ કાકડીયાનો અનોખો વૃક્ષપ્રેમ : ડાંગરવાળાના વગડાને કર્યો હરિયાળો

લોધીકા તા.૩૧ : ડાંગરવાડા ગામના વતની તથા પૂર્વ રાજયમંત્રી ગોવિંદભાઇ પટેલના ગુરૂબંધુ હંસરાજભાઇ કાકડીયા આજે ૯૦ વર્ષની ઉંમરે પણ યુવાનને શરમાવે તેવી સ્ફુર્તીથી વૃક્ષારોપણના કાર્યને જીવનમંત્ર બનાવી વેરાન જગ્યાઓમાં વૃક્ષારોપણ કરી તેને જતનપુર્વક ઉછેરી મોટા કરે છે.

છેલ્લા આઠ આઠ દાયકાથી એટલે કે બચપણથી જ વૃક્ષારોપણને શોખ ધરાવતા હંસરાજભાઇ કાકડીયાએ એકલપંડે વૃક્ષારોપણ અભિયાનને જીવનમંત્ર બનાવી આજસુધી હજારો વૃક્ષો વાવ્યા છે. એટલુ જ નહી તેને જતનપુર્વક મોટાકર્યા છે. આજુબાજુના અનેક ગામોના પાદર, મંદિર, સ્મશાન સહિત વેરાન વગડાઓમાં આજે આ વટવૃક્ષો બની અનેકને છાયડો આપી રહ્યા છે.

હંસરાજભાઇના કહેવા મુજબ બચપણમાં ખેતીવાડીનું કામ સાથોસાથ ખેતરવાડીના સેઢે તેમને વૃક્ષો વાવવાનો શોખ સ્વયંભુ જાગ્યો અને તે મુજબ તેઓ વૃક્ષારોપણ કરતા બાદમાં ગામના પાદર સહિત ધાર્મિક જગ્યાઓમાં તેઓ વૃક્ષો વાવતા અને કાળજીપુર્વક ઉછેર કરતા આજે જીવનના નેવુ વર્ષે પણ આ શોખ અકબંધ જળવાઇ રહ્યો છે. સાધન સંપન્ન હોવા છતા સીધુ અને સાદુ જીવન ધરાવતા હંસરાજભાઇ આજુબાજુના ગામોમાં વૃક્ષપ્રેમી તરીકે જાણીતા છે. આજે જંગલો નામ શેષ થઇ રહ્યા છે. વૃક્ષો કપાઇ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની ભયંકર અસર વર્તાઇ રહી છે. ત્યારે આ અદના ઇન્શાને એકલપંડે કોઇના સહયોગ કે અપેક્ષા વિના જ ગામ ઉપરાંત આજુબાજુના અનેક ગામોમાં અત્યાર સુધી કેરી, ચીકુ, રાવણા, કરમદા, ગુલમહોર, બોરસલી, કરંજ, અંજીર, લીંબુડી, જામફળ, પીપળો સહિત હજારો વૃક્ષો વાવ્યા છે. જેમાના અસંખ્ય વૃક્ષો ઘેઘુર અને વટવૃક્ષ બની હીલોળા લઇ રહ્યા છે.

પોતાના રોજીંદા કાર્યો તથા અન્ય જવાબદારીમાંથી સમય કાઢી દરરોજ પોતાના મોટર સાયકલ ઉપર પોતાના ખર્ચે નર્સરીમાંથી લાવેલા વૃક્ષોના રોપા, પાણીની ડોલ, ત્રિકમ, પાવડા લઇ નીકળી પડે છે.  જે તે ગામોમાં વૃક્ષારોપણ કરે છે અને જયા સુધી વૃક્ષો મોટા ન થાય ત્યા સુધી તેમની સંભાળ લે છે. નિયમીત પાણી પાઇ છે. પર્યાવરણ બચાવવાનો ભગીરથ પુરૂષાર્થ કરી રહ્યા છે. છોડમાં રણછોડની ઉકિત સાર્થક કરી રહ્યા છે.નિસ્વાર્થ ભાવે થતી આ નિરંતર પ્રવૃતિ ઉપરાંત તેઓ ગામેગામ જઇ પર્યાવરણ બચાવવા વૃક્ષો વાવવાની સહુને પ્રેરણા આપે છે તેમજ વ્યસનમુકિતનો સંદેશો આપી લોકજાગૃતિનું કાર્ય પણ કરે છે.

(11:26 am IST)