Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

પરિણિતાને જીવતી સળગાવી હત્યાના ગુનામાં ભાવનગર સેસન્સ કોર્ટ દ્વારા પતિ અને પ્રેમિકાને આજીવન કેદ

ભાવનગરમાં પરણિતાને જીવતી સળગાવવાના કેસમાં કોર્ટે પતિ-પ્રેમિકાને આજીવન કેદની સજા ફટકારી છે. (વિપુલ હિરાણી-ભાવનગર)

ભાવનગર, તા. ૩૧ : બરોબર એક વર્ષ પૂર્વે શહેરના તરસમીયા રોડ, ખારસી વિસ્તારમાં પતિએ પોતાની પ્રેમિકા સાથે એક સંપ કરી પત્નીને જીવતી સળગાવી મારવાનો હત્યા કેસ ભાવનગર પ્રિનસીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધયાને લઇ આરોપી પતિ અને તેની પ્રેમિકા સામેનો હત્યાનો કેસ અદાલતે સાબીત માની બંન્ને આરોપીઓને આજીવન કેદની સજા અને રોકડા રૂ. પાંચ હજારનો દંડ ફટકારીયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આરોપીઓ (૧) લક્ષ્મણભાઇ કમાભાઇ ડાભી જાતે કોળી ઉ.વ. ર૬ રહે. ખેડુતવાસ હનુમાન દાદા વાળા ખાંચામાં મકનદાદાની દુકાન પાસે ભાવનગર હાલ પ્લોટ નં. બી/૧૦ હીમાલય ટેનામેન્ટ ખારસી ભાવનગર (ર) ભાવુબેન વા/ઓ શાંતિભાઇ વેલજીભાઇ ચૌહાણ ઉ.વ.૩૦ રહે. ખેડુતવાસ મેલડી માતાની ધાર કાનાભાઇની દુકાન પાસે ભાવનગર વાળા આ કામના મરણ જનાર ફરીયાદી જયોતિબેન લક્ષ્મણભાઇ ડાભી કોળી ઉ.વ.૩પ રહે. શીતળામાના મંદિર પાસે ખારસી, ફરીયાદીના પતિ લક્ષ્મણભાઇ ડાભી તથા તેની પ્રેમિકા આરોપી નં. ર ભાવુબેન ચૌહાણ નામની મહિલાને લઇ ને નાસી ગયેલ જેથી આ કામના ફરીયાદી મરણજનારનાઓ પોતાના સસરાના ઘરે પાળીયાદ (ભાલ) જતા રહેલ હતાં.

આ કામના મરણ જનાર ફરીયાદી પત્નીને ભાડેથી મકાન રાખી અલગ રહેવાનું સમજાવી ભાવનગર લઇ આવી પ્લોટ નં. ર૦/બી, હીમાલય ટેનામેન્ટ, તરસમીયા રોડ ખારસી, દમુબેન પંડયાના મકાનમાં ભાડેથી મકાન રાખી પોતાના પત્ની આ કામના ફરીયાદી મરણજનારને લઇ રહેવા આવેલ અને પોતાની પ્રેમિકા આરોપી નં. ર નાઓને પણ અહીં સાથે રાખેલ દરમ્યાન ગઇ તા. ૧પ/૪/૧૮ના રાત્રીના આશરે સાડા નવેક વાગ્યે આ કામના મરણજનાર ફરીયાદી તથા આરોપી નં. ૧ તથા આરોપી નં. ર નાઓ ઘરે હાજર હતાં ત્યારે આ કામના મરણ જનાર ફરીયાદીએ પોતાના પતિ આરોપી નં.૧ નાઓને આરોપી નં. ર ના સાથે શું કરવા સંબંધ રાખો છો ? તેમ કહેતા આ કામના ફરીયાદીના પતિ આરોપી નં. ૧ નાઓ ઉશ્કેરાઇ જઇ મરણજનાર ફરીયાદીના હાથ પાછળથી પકડી આરોપી નં. ર નાઓને આ કામના ફરીયાદી મરણજનારને સળગાવી દેવાનું કહેતા આરોપી નં. ર ના એ ઘરમાં રહેલ વાટ વાળા પ્રાઇમસનું ઠાકણું ખોલી તેમાં રહેલ કેરોસીન મરણજનાર ફરીયાદી ઉપર છાંટી દિવાળી ચાંપી મરણજનાર ફરીયાદીને સળગાવતા મરણજનાર ફરીયાદી બંન્ને હાથે, છાતીના ભાગે તથા પીઠના ભાગે દાઝી જતા આરોપી નં. ૧ નાએ મરણજનાર ફરીયાદીને પોતાની રીક્ષા નં. જીજે-૦૪-એ.યુ. રરરપ માં બેસાડી આરોપી નં. ર ને સાથે લઇ મરણજનાર ફરીયાદીને દવાખાને લઇ જવાને બદલે ખેડુતવાસમાં લઇ જઇ મરણજનાર ફરીયાદીના સાસુના ઘરની સામે ફેકી દઇ રીક્ષા લઇ આરોપી નં. ૧ તથા નં. ર નાઓ નાસી ગયેલ.

આ કામના મરણજનાર ફરીયાદી બંન્ને હાથે, છાતીના ભાગે તથા પીઠના ભાગે  દાઝી જતા તેના સા તથા નણંદ સર ટી હોસ્પિટલ દવાખાને સારવારમાં લઇ આવેલ. સારવાર દરમ્યાન ગઇ તા. ર૯/પ/ર૦૧૮ના કલાક ૭-૦૦ વાગે આ કામના ફરીયાદી જયોતિબેન લક્ષ્મણભાઇ ડાભીનું સારવાર દરમ્યાન મોત નિપજતા આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવ અંગે મરણજનાર જયોતિબેને જ તેના પતિ અને તેની પ્રેમિકા સામે ફરીયાદ નોંધાવેલી હોય જેથી પોલીસે ઇપીકો કલમ ૩૦રનો ઉમેરો કરી બંન્ને આરોપીઓની જે તે સમયે પોલીસે ધરપકડ કરી હતી અને ઉકત આરોપીઓ લક્ષ્મણભાઇ ડાભી અને ભાવુબેન ચૌહાણની સામે ઇપીકો કલમ ૩૦ર, ૩૦૭, ૧૧૪ (૧) મુજબનો ગુનો નોંધીયો હતો.

આ અંગેનો કેસ ભાવનગર પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઇ આરોપી પતિ લક્ષ્મણભાઇ કમાભાઇ ડાભી જાતે કોળી અને તેની પ્રેમિકા ભાવુબેન શાંતિભાઇ ચૌહાણ સામે ઇપીકો કલમ ૩૦ર, સહિતનો ગુન્હો સાબિત માની અદાલતે બંન્ને આરોપીઓને આજીવન કેદની સજા અને રોકડા રૂ. પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

(11:22 am IST)