Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

મોટી ઘંસારી ગામે સગીરાને કુંવારી માતા બનાવનાર વિરુદ્ધ ૩૦દિ'માં ૪૫૧ પાનાંની ચાર્જશીટ રજૂ કરતી કેશોદ પોલીસ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૩૧ : કેશોદ તાલુકાનાં મોટી ઘંસારી ગામે એક મહિના પહેલાં ગત તારીખ ૩૦/૧૨/૨૦૨૨ નાં રોજ સગીરાને કુંવારી માતા બનાવનાર શખ્સ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. કેશોદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપી કરસનભાઈ ઉર્ફે બાબુ દેવરાજભાઈ માલમને સરસાલી ગામેથી ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ત્રણ દિવસ રીમાન્ડ મેળવી પુરાવાઓ એકઠાં કરી કોર્ટના આદેશ મુજબ જેલહવાલે કર્યો હતો.જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમશેટ્ટીની સીધી દેખરેખ હેઠળ કેશોદ પોલીસ વિભાગનાં ડીવાયએસપી ઠક્કરનાં માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર બી બી કોળી સહિત હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ ડાભી, અમરાભાઈ જુજીયા, રવીભાઈ ધોળકિયા, સંજયસિંહ કૃષ્ણસિંહ ઝાલા તથા રોહિતભાઈ મોહનભાઈ દ્વારા ગુનાની ગંભીરતા ધ્યાને લઈ ત્રીસ દિવસમાં ૪૫૧ પાનાંની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટ સમક્ષ રજૂ કરી છે.

કેશોદના મોટી ઘંસારી ગામે પારિવારિક સંબંધો ધરાવતાં કરસન ઉર્ફે બાબુ દેવરાજભાઈ માલમ દ્વારા પરિવારની સગીરાને ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું પરિણામસ્વરૃપે બાળકીને જન્મ આપ્યો હતો જે ઘટનાથી સમગ્ર સોરઠમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. કેશોદ પોલીસ સ્ટેશન નાં કાબેલ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રાથમિકતા આપી એક માસમાં ચાર્જશીટ તૈયાર કરી કોર્ટ સમક્ષ રજૂ કરી આરોપીને ઝડપથી દોષિત ઠેરવી કડક સજા આપવામાં આવે અને ફરીથી કોઈ સગીરા પર આવું દુષ્કર્મ આચરવામાં આવે નહિ એવો કેશોદ પોલીસ દ્વારા પ્રયત્ન કર્યો છે.

(3:23 pm IST)